વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર આવી રહ્યા છે. 29 સપ્ટેમ્બરે સાંજે મોદી મોટેરા ખાતેના મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરશે. જે બાદ રાત્રે તેઓ GMDC ગ્રાઉન્ડ પર આરતી પણ કરશે. અગાઉ 2019માં મોદીએ GMDC ગ્રાઉન્ડ પર આરતી કરી હતી. આરતી પછી વડાપ્રધાન ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરશે.
વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરી 30 KMની મુસાફરી કરશે
30 સપ્ટેમ્બરે સવારે મોદી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરી એ જ ટ્રેનમાં લગભગ 30 કિલોમીટરની મુસાફરી કરી ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન આવશે. અહીંથી મોદી કાલુપુર ખાતે બનાવાયેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને અમદાવાદ મેટ્રોને લીલી ઝંડી બતાવી મેટ્રોમાં જ લગભગ 15 કિલોમીટરનું અંતર કાપી દૂરદર્શન ટાવર જશે. મેટ્રોના દૂરદર્શન ટાવરના સ્ટેશને ઉતરી વડાપ્રધાન જાહેરસભા સંબોધશે.
સુરક્ષા વ્યવસ્થા સઘન
પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માસ ટ્રાન્સપોર્ટેશનમાં 45 કિલોમીટરની મુસાફરી કરશે. જેને પગલે SPG સહિત સેન્ટ્રલની સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હજુ પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમયાંતરે ચેકિંગથી માંડી અન્ય તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પહેલી વખત જ વડાપ્રધાન થલતેજ વિસ્તારમાં જાહેરસભા યોજી રહ્યા છે.
મેટ્રો રેલવેનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલુપુર રેલવે સ્ટેશનેથી મેટ્રો રેલવેનું ઉદઘાટન કરવાના હોવાથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો તખતો તૈયાર થઈ ચૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 18 DCP, 53 SP સહિત લગભગ 7 હજાર પોલીસ કર્મચારીનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અમદાવાદની લગભગ 80 ટકા પોલીસને બંદોબસ્તમાં ઉતારવામાં આવશે.