વડોદરાઃ હરિધામ સોખડામાં દરરોજ નવા વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે હવે ગુણાતીત સ્વામીની આત્મહત્યા પહેલાં તેમના ભત્રીજા સાથે થયેલી છેલ્લી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપને FSLમાં તપાસ કરવા માટે મોકલવામાં આવશે. તે માટે ભત્રીજાનો મોબાઇલ કરજણ પોલીસને સોંપવામાં આવ્યો છે.
હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી કોણ બને તેને લઇને પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે સતત વિવાદ જારી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી પ્રબોધ સ્વામીના અને તેમના સમર્થક સંતો અને અનુયાયીઓ સોખડા મંદિર છોડી આણંદના બાકરોલ ખાતે ગયા હતા. જ્યાર બાદ સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેમના મૃત્યુનું કારણ છુપાવવાને લઇને વિવાદ થયો અને આખરે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ કરેલી પોલીસમાં અરજીને પગલે ગુણાતીત સ્વામીના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.
પ્રાથમિક રિપોર્ટમાં ગુણાતીત સ્વામીનું મોત ગળે ફાંસો લાગવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી તે અંગે વિવાદ વકર્યો. જેમાં સોખડા મંદિરના ત્યાગવલ્લભ સ્વામીએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે ગુણાતીત સ્વામીના પરિવારજનોની વિનંતીને કારણે તેમના અપમૃત્યુ અંગે જાહેર કરવામાં આવ્યું ન હતું.
ત્યારે બીજી તરફ હવે ગુણાતીત સ્વામીના મુંબઇ ખાતે રહેતા ભત્રીજા હસમુખભાઇ ત્રાગડિયાએ વડોદરા જિલ્લા પોલીસ વડાને અરજી આપી હતી કે, તેમણે ગુણાતીત સ્વામી સાથે છેલ્લે ટેલિફોનિક વાતચીત કરી હતી તેમાં તેમને મંદિરમાં ટોર્ચર કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. આ વાતચીતની ઓડિયો ક્લિપ પણ તેમની પાસે છે. હવે આ ઓડિયા ક્લિપને FSLમાં રિપોર્ટ માટે મોકલવામાં આવશે. જેથી ગુણાતીત સ્વામીના ભત્રીજા હસમુખભાઇએ પોતાનો મોબાઇલ આ મામલે તપાસ કરી રહેલ કરજણ પોલીસને સોંપ્યો છે.
આજે પોતાનો મોબાઇલ કરજણ પોલીસને સોંપવા ગયેલા હસમુખભાઇ ત્રાગડિયાએ જણાવ્યું હતું કે, આજે હું કરજણ પોલીસ ઇન્સપેક્ટર પાસે આવ્યો છું. મારી તથા ગુણાતીત સ્વામી તથા મારી અને તેમના બનેવી વચ્ચે થયેલ ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપની તપાસ માટે મોબાઇલ પોલીસને સોંપ્યો છે. આ અંગે વહેલી તકે ન્યાય મળે તે અંગે રજૂઆત કરી છે.
ગુણાતીત સ્વામીની અંતિમ ઓડિયો ક્લિપ
ગુણાતીત સ્વામી: અમારા ફોન એક મહિનો લોક કરી દીધા હતા.
હરસુખ ત્રાગડીયા: તમારી બાજુમાં કોઇ નથી ને?
ગુણાતીત સ્વામી: ના, કોઇ હોય તો હું વાત પણ ન કરુ ને.
હરસુખ ત્રાગડીયા: આમા તો મારા જેવા નિર્દોષ માણસો પિલાઇ ગયા
ગુણાતીત સ્વામી: હા, હું અત્યારે એટલું બધુ સહન કરુ છું કે, હું રાત્રે ઉંઘી નથી શકતો.હેરાન કરે છે, માનસિક રીતે ત્રાસ આપે છે.
હરસુખ ત્રાગડીયા: તમને શું હેરાન કર્યાં છે?
ગુણાતીત સ્વામી: અમે બે સંત રહેતા હતા તેમાં એક સંત ધામમાં જતા રહ્યા. તો પોણા ભાગની રૂમ પચાવી લીધી, સામાન મુકવાના ખાના પચાવી લીધા. આખો દિવસ આ સંત આવા કે તેવા એવી જ વાતો ચાલ્યા કરે છે. હું અત્યાર સુધી તટસ્થ જ હતો. પણ આપણને માનસિક ટોર્ચર કર્યાં કરતા.
હરસુખ ત્રાગડીયા: એ વાત સાચી છે કે, બધાના ફોન બંધ કરાવી દીધા હતા?
ગુણાતીત સ્વામી: અમારા બધાના એક મહિનો ફોન બંધ કરાવી દીધા હતા.
હરસુખ ત્રાગડીયા: તો ત્યાગસ્વામીનો નંબર તો ચાલુ હતો
ગુણાતીત સ્વામી: એવા તો ઘણાના ફોન ચાલુ હતા. આમાં તો અમારે કંઇ બોલાય એવું છે જ નહીં.
હરસુખ ત્રાગડીયા: મુંબઇ આવતા રહો ને.
ગુણાતીત સ્વામી: મારી તો સો ટકાની ઇચ્છા છે. મેં તો મારા સંબંધીને દિવાળી પહેલાનુ કહી રાખ્યું હતું કે, મને વૃદ્ઘાશ્રમમાં મુકી દો. મેં તો કહ્યું હતું કે મારી અહીં (સોખડા મંદિરમાં) જિંદગી સેટ નથી. કારણ કે, મારે તો રોજ રિબાયેલા રહેવું, નાના-મોટાથી દબાઇને રહેવાનું. મેં તો છાલામાં રહેવાની વાત પણ કરી હતી. ત્યાં સિંગલ રૂમમાં રહેવું હોય તો રૂમ આપે છે. મને ખાંસીની તકલીફને લીધે રાત્રે સામે વાળાને પણ તકલીફ થાય.
હરસુખ ત્રાગડીયા: હરિપ્રકાશ સ્વામીને વાત કરોને કંઇ થાય તો.
ગુણાતીત સ્વામી: ના એમને વાત ન કરાય. મારી પરિસ્થિતિ જોતા મારો સાથ આપવો જોઇએ એ પણ તે મને ઉલટાની સલાહ આપે છે.
હરસુખ ત્રાગડીયા: પ્રબોધસ્વામીને તકલીફ તો પડશે
ગુણાતીત સ્વામી: હા તકલીફ જ છે.
હરસુખ ત્રાગડીયા: રૂબરુ આવું પછી સત્સંગ કરીશું
ગુણાતીત સ્વામી: ના…ના.. મારુ તો મન ઉઠી ગયું છે. મારે તો હાલ જ નિકળી જવું છે.
હરસુખ ત્રાગડીયા: મારે બે મહિના પછી આવવાનુ જ છે
ગુણાતીત સ્વામી: ત્યારે મળાય કે ન મળાય.
હરસુખ ત્રાગડીયા: એ તો જેવી મહારાજની મરજી
ગુણાતીત સ્વામી: મારે તો બહાર નિકળવું છે પણ સપોર્ટ જોઇએ.
હરસુખ ત્રાગડીયા: તમે 500-600 મેમ્બર હતા, તેમાંથી 250 તો નીકળી જાય છે.
ગુણાતીત સ્વામી: પ્રેમ સ્વામી ઝુકશે એ નહીં ઝુકે, મેં એ લોકોને કહું હતું કે, અહીંથી નીકળો, સંતોના લોહી ચૂસાય છે.