ગુજરાત મિશન 2022 અંતર્ગત આપના દિલ્હીના નેતાઓએ રાજ્યમાં ધામા નાખ્યા છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સિદ્ધપુરની મુલાકાતે છે. જ્યારે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજે રાજકોટની મુલાકાતે છે. તો આવતીકાલે આપના સંયોજક અને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એક મોટી જાહેરાત કરી શકે છે.
આપના નેતાઓનું ફોકસ ગુજરાત
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં સભાઓ ગુંજવા લાગી છે. રાજ્યમાં અનેક રાજકીય નેતાઓ પ્રવાસ ખેડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાત પર તમામ રાજકીય પક્ષો નજર રાખી રહ્યા છે. ગુજરાતની આ વખત વિધાનસભાની ચૂંટણીમાં બહુપાંખિયો જંગ જામશે. ગુજરાત પર આમઆદમી પાર્ટી પૂરે પૂરું ફોકસ રાખી રહી છે. ગુજરાતમાં દિલ્હીના નાયબમુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આવતીકાલે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાત લેશે.
રાઘવ ચઢ્ઢાના નિશાને ભાજપ-કોંગ્રેસ
રાજકોટ પહોંચેલા આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ગુજરાતમાં AAP vs BJP નો જંગ છે. કોંગ્રેસ ઘરડી પાર્ટી થઇ ગઇ છે, જે અત્યારે રેસમાં નથી. તો ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું, ભાજપના ૨૭ વર્ષના શાસનથી લોકો કંટાળી ગયા છે. દિલ્લી અને પંજાબમાં લોકોએ કોંગ્રેસ અને અકાલીદલના શાસનને ઉખાડીને ફેંકી દીધું અને આઇ લવ યુ કેજરીવાલ કહ્યું. આમઆદમી પાર્ટી તેના દિલ્લી મોડેલથી આગળ વધી રહ્યુ છે.
વીજળી -શિક્ષણના મુદ્દે રાઘવ ચઠ્ઠાનું નિવેદન..
રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે- ભગવાને મફત વીજળી આપવાનું વરદાન માત્ર કેજરીવાલને આપ્યુ છે. ભગવાને સારૂ શિક્ષણ આપવાનું વરદાન માત્ર કેજરીવાલને આપ્યું છે.
દારૂના વાયરલ વીડિયોને લઈને રાઘવ ચઢ્ઢાએ આમ કહ્યું
જ્યારે વિપક્ષ માટે કોઇ મુદ્દા નથી હોતા ત્યારે આ પ્રકારની રાજનીતિ કરે છે. ભાજપ ડરી ગઇ છે,જેના કારણે અમારા કાર્યકર્તાના વીડિયોમાં તોડજોડ કરીને વાયરલ કરે છે,અમારા કાર્યાલયમાં દરોડા કરે છે.મનોજ સોરઠિયા જેવા કાર્યકર્તાઓ પર હુમલાઓ કરાવે છે.
આમઆદમી પાર્ટીનું પૂરેપુરુ ફોકસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતમાં એક પછી એક સભાઓ ગજાવી રહ્યા છે. મનીષ સિસોદિયા આજે સિદ્ધપુરની મુલાકાતે છે ત્યારે બીજી તરફ આમઆદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજે રાજકોટની મુલાકાતે છે. આમઆદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ મહત્મા ગાંધીજીના બાળપણના નિવાસ સ્થાને જશે અને પ્રેસ કોન્ફરન્સ પણ યોજશે. ત્યારે બીજી તરફ આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
આવતીકાલે ગુજરાતની મુલાકાતે કેજરીવાલ
આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની ચૂંટણીને લઈને વધુ એક જાહેરાત કરી શકે છે. આમઆદમી પાર્ટી એક પછી એક ગેરંટી આપી રહી છે. આમઆદમી પાર્ટીએ તેમના 29 ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે અને ચૂંટણી પ્રચાર પણ આરંભી દીધો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે કેજરીવાલ શું નવી જાહેરાત કરશે.