કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતફૂડ

રાજ્યમાં મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ રહેતાં રાજકોટ જિલ્લાના 107691 છાત્રો નાસ્તો, ભોજનથી વંચિત

Text To Speech

રાજકોટ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મધ્યાહન ભોજન કેન્દ્રમાં હજારો બાળકો નાસ્તો તેમજ ભોજનથી વંચિત છે. હાલ ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ ધો-1થી પ અને ધો-6થી 8ના માસૂમ બાળકો ઘરેથી નાસ્તો લાવી રહ્યા છે. હડતાલના પગલે સરકાર તરફથી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની હજુ સુધી જે તે જિલ્લાના મધ્યાહન ભોજનના ડે. કલેકટરોને લેખીતમાં જાણ કરવામાં આવી નથી. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ વિવિધ માંગણીઓને ધ્યાનમાં રાખી રાજ્યના 96 હજાર જેટલા મધ્યાહન ભોજન યોજના સંચાલકો, રસોઇયા, હેલ્પર હડતાલ ઉપર છે.

જિલ્લામાં કુલ 882 કેન્દ્રો, તમામ બંધ રહેતા દેકારો થઈ ગયો

અત્રે એ ઉલ્લેખનિય છે કે, લાંબા સમયથી મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા કર્મચારીઓની વિવિધ માંગણીઓ આજ સુધી ન સ્વિકારવામાં આવતા તાજેતરમાં ગાંધીનગરમાં રેલી, ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતુ. મધ્યાહન ભોજન યોજનાના રાજકોટ જિલ્લાના સંચાલકો, હેલ્પર, રસોઇયા સહિતના કર્મચારીઓ હડતાલ ઉપર હોવાથી જેતપુર, જૂનાગઢ, પડધરી, કોટડાસાંગાણી, વીંછિયા, જસદણ, ગોંડલ, લોધિકા તેમજ રાજકોટ તાલુકા સહિતના 882 કેન્દ્રોના બાળકો ભોજનથી વંચિત રહી ગયા છે. મોટાભાગના કેન્દ્રો ઉપર રસોડાને તાળાં લાગી ગયા છે. સાથોસાથ હાલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અમુક પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા પણ ઘટી છે. નાસ્તો અને ભોજનના પગલે બાળકોની હાજરી ઉપર અસર થયાનું જાણવા મળે છે.

શું છે મ.ભો. મંડળના સંચાલકોની માંગણી ?

દરમિયાન રાજકોટ જિલ્લામાં ધો-1 થી પમાં 34921 કુમાર, 33538 ક્ધયા, જ્યારે ધો-6થી 8માં 19717 કુમાર અને 19515 કન્યા મળી કુલ 107691 છાત્રો હાલ મધ્યાહન ભોજન યોજનાથી વંચિત રહી ગયા છે. છેલ્લા બે વર્ષમાં કુકિંગ કોસ્ટમાં કોઇપણ પ્રકારનો વધારો થયેલ નથી અને હાલ મોંઘવારી સતત વધી રહી છે તો કુકિંગ કોસ્ટમાં મોંઘવારીના દર મુજબ વધારો કરી આપવામાં આવે એ જરુરી છે. કારણ કે બે વર્ષ પહેલાં રાંધણગેસના એક બોટલના 700 હતા જે હાલ 1100 છે તેમજ શાકભાજી-મરી મસાલા તથા અન્ય ખર્ચના ભાવ ખુબજ વધી જવાથી ભોજન નાસ્તો આપવાનો અશકય છે તો અમોને આપવામાં આવતું કુકિંગ કોસ્ટમાં વધારો કરવા અમારી માંગણી છે. અમુક જિલ્લાઓમાં આ યોજનાનું ખાનગીકરણ થયેલ છે અને સ્વૈચ્છિક સંસ્થા (એન.જી.ઓ.)ને સંચાલન સોંપાયેલ છે તો આવી સંસ્થાને દૂર કરી સંચાલન પ્રથા લાગુ કરવી તેવી માંગ કરવામાં આવી છે.

મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, રસોઇયા, હેલ્પરોની વ્યથા, દર મહિને ગુજરાન કેવી રીતે ચલાવવું?

રાજ્યના 96000 મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના કર્મચારીઓ દર મહિને રૂ. 1600, 1400 તેમજ રૂ. 500 અને 300ના માસિક વેતનથી ફરજ બજાવી રહ્યાની વ્યથા વ્યકત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પીરસવામાં આવતા ભોજનના બે ભાગ કરી નાસ્તો આપવાનું શરુ કરવામાં આવ્યું છે પરંતુ તેના માટે કોઇ નાણાંકીય બોજ પાડેલ નથી. આ માટે અલગથી જથ્થો અને પેશગી મળી રહે તેવી માંગણી છે. હાલની મોંઘવારી જોતાં આટલા ઓછા ખર્ચમાં નાસ્તો, ભોજન બનાવવું અશકય છે. નાસ્તા માટે અલગથી જથ્થો અને પેશગી પણ કેન્દ્ર સંચાલકો, રસોઇયા, હેલ્પરને ન ચુકવતા આક્રોશ વ્યાપી ગયો છે.

Back to top button