- હોટલ અને ખાણીપીણીની દુકાનો રાત્રે 12 વાગ્યા પછી પણ રહેશે શરૂ
- હર્ષ સંઘવીએ કરી રાજકોટમાં જાહેરાત
નવરાત્રિ સાથે લોકોમાં ઉત્સવના પર્વની પણ શરૂઆત થતી હોય છે. જેમાં હવે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. નવરાત્રિના તહેવારોમાં હોટલો ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરાંને 12 વાગ્યા પછી પણ ખુલ્લી રાખવાની જાહેરાત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટમાં કરવામાં આવી છે.
ગૃહરાજ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્યની જનતા નવરાત્રિની ઉજવણી ઉત્સાહભેર કરી રહી હોય છે ત્યારે તેમાં ખાણીપીણીના શોખીનોને પણ તેમાં આનંદ મળી રહે તે માટે દુકાનો અને રેસ્ટોરન્ટ 12 વાગ્યા પછી પણ ખુલ્લી રાખી શકાશે. તેમજ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.
આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રિને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે નવરાત્રિમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર છે તે પણ સરકારે વિદિત કર્યું છે.
આ પણ વાંચો : ગુજરાત: નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે