ઈરાનમાં હિજાબ મામલે જોવા મળી રહેલા ભારે વિરોધ વચ્ચે અમેરિકામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું અપમાન થયું છે. ઈન્ટવ્રયૂ લેવા માટે ન્યૂઝ એન્કરની સામે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીએ હિજાબ પહેરવાની શરત રાખી, પરંતુ એન્કરે એવું કરવાનો ઈનકારી કરી દીધો. પૂરી તૈયારી હોવા છતાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનો ઈન્ટરવ્યૂ ન થઈ શક્યો.
ન્યૂઝ એન્કર ક્રિસ્ટિન એમનપોરે દાવો કર્યો કે તે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનો ઈન્ટરવ્યૂ ન લઈ શકી કેમકે તેમના સહયોગીઓએ તેને હેડસ્કાર્ફ પહેરવા માટે કહ્યું હતું.
હિજાબ પહેરીને ઈન્ટરવ્યૂ લેવાનો ઈનકાર કર્યો
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું પહેલી વખત અમેરિકામાં ઈન્ટરવ્યૂ થવાનું હતું. હિજાબ વિવાદ અને ન્યૂક્લિયર ડીલ પર અનેક સવાલોનો મારો થવાનો હતો, પરંતુ આ બધું શક્ય ન બની શક્યું. કેમકે ઈરાન હોય કે ન્યૂયોર્ક, ઈબ્રાહિમ રઇસી પોતાના કટ્ટર એજન્ડાથી કોઈ સમાધાન કરવા નથી માગતા. હકિકતમાં ક્રિસ્ટિન એમનપોર અમેરિકાના જાણીતા એન્કર છે, જેઓ પ્રખ્યાત ન્યૂઝ ચેનલ CNNમાં છે. ક્રિસ્ટિનની સાથે અમેરિકામાં ઈબ્રાહિમ રઇસીનું ઈન્ટવ્યૂ ફિક્સ કરાયું હતું, પરંતુ ઈન્ટરવ્યૂનો ટાઈમ થઈ ગયો અને તેના કલાકો બાદ પણ રઇસી ચેનલ ઓફિસ પહોંચ્યા ન હતા.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું અપમાન
ઈરાનના રાષ્ટ્રપતિ ચેનલ ઓફિસે ન પહોંચતા કંઈક એવું થયું કે વિશ્વભરમાં ઈબ્રાહિમ રઇસીનું અપમાન થઈ ગયું. ન્યૂઝ એન્કર ક્રિસ્ટિન એમનપોરે ટ્વીટ કરીને લખ્યું કે ઈન્ટરવ્યૂ માટે ફિક્સ ટાઈમના 40 મિનિટ પછી, ઈરાનના રાષ્ટ્રપતિનો એક સહયોગી આવ્યો. તેમને કહ્યું કે રઇસીએ તમને હેડસ્કાર્ફ એટલે કે હિજાબ પહેરવાની સલાહ આપી છે કેમકે આ મુહર્રમ અને સફરનો મહિનો છે.
40 minutes after the interview had been due to start, an aide came over. The president, he said, was suggesting I wear a headscarf, because it’s the holy months of Muharram and Safar. 3/7
— Christiane Amanpour (@amanpour) September 22, 2022
રઇસીના કટ્ટરવાદની ભેટ ચઢ્યો ઈન્ટરવ્યૂ
ન્યૂઝ એન્કર ક્રિસ્ટિન એમનપોરનો દાવો છે કે ઈબ્રાહિમ રઇસીનો મેસેજ લઈને આવેલી વ્યક્તિએ કહ્યું કે જો તમે હિજાબ નહીં પહેરો તો ઈન્ટરવ્યૂ નહીં થાય. આ સાંભળીને ક્રિસ્ટિન ગુસ્સે થઈ ગઈ અને તેમને રઇસીના મેસેન્જરને કહ્યું કે આ ન્યૂયોર્ક છે, ઈરાન નહીં. અહીં હિજાબ પહેરવા માટે કોઈ પણ દબાણ ન કરી શકાય. ક્રિસ્ટિનના પિતા ઈરાની હતા. ક્રિસ્ટિને આ ઈન્ટરવ્યૂ માટે ઘણી મહેનત અને રિસર્ચ કર્યું હતું, પરંતુ આ ઈન્ટરવ્યૂ ઈબ્રાહિમ રઇસીના કટ્ટરવાદની ભેંટ ચઢી ગયું.
ઈરાનમાં હાલ હિજાબ પર બબાલ જોવા મળે છે
ઈરાનમાં પોલીસ લોકઅપમાં મહસા અમીનીના મોત પછી હિજાબને લઈને બબાલ જોવા મળે છે. દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. મહિલાઓ પોલીસ લોકઅપમાં મહસા અમીનીના મોતના વિરોધમાં પોતાના હિજાબ સળગાવી રહી છે. અનેક પ્રદર્શનકારીઓના મોતના સમાચાર પણ છે. મહસા અમીની પોતાના પરિવારની સાથે તેહરાન ફરવા આવી હતી, આ દરમિયાન હિજાબ ન પહેરવાને કારણે તેની ધરપકડ થઈ હતી અને કથિત રીતે માર માર્યા બાદ તેનું મોત નિપજ્યું હતું.