વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. કેગનો અહેવાલ પણ રજૂ કરાશે. બીજી તરફ કોંગ્રેસે સતત બીજા દિવસે ગૃહમાં હંગામો કર્યો છે. આ પછી કોંગ્રેસ પક્ષે વોક આઉટ કર્યું હતું. લંપી વાયરસ મુદ્દે ગૃહમાં ચર્ચા ન કરવા દેતા પહેલા વિરોધ સુત્રોચ્ચાર અને ત્યારબાદ કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રતાપ દુઘાતે વોકઆઉટ ન કર્યું અને ગૃહમાં બેઠા છે. ભાજપના ધારાસભ્યોએ રમૂજમા કહ્યું ભાજપ તરફ આવી જાવ.
લમ્પી વાયરસ મુદ્દે પુંજા વંશને પ્રશ્ન ન પૂછવા દેવાતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પોતાની બેઠક પરથી ઉભા થયા હતી અને સુત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કોંગ્રેસ તરફથી લમ્પી વાયરસથી ગાય બચાવોના નારાઓ અને સુત્રોચ્ચાર ગૃહમાં થયા હતા.
પ્રથમ દિવસે 15 MLA સસ્પેન્ડ થયા હતા
કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભાના પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરાયું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી.ચર્ચાના અંતે સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.
સત્રની છેલ્લા દિવસની કાર્યવાહી
ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમાર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવશે. છેલ્લા દિવસના પ્રસ્તાવમા મોંઘવારીનો મુદ્દો ઉઠાવશે. ધારાસભ્ય ઈદ્રજિતસિંહ પરમાર છેલ્લા દિવસના પ્રસ્તાવ બાદ ગૃહમાં અતારાંકિત પ્રશ્નો અને તેના જવાબો મુકાશે. વિધાનસભાના બીજા અને અંતિમ દિવસની શરૂઆત ટૂંકી મુદ્દતના પ્રશ્નથી થશે.
બીજા દિવસે કોંગ્રેસ મોંઘવારી પર સરકારને ઘેરશે
ખાદ્યતેલના ભાવો અંકુશમા રાખવાના પરેશ ધાનાણીના ટૂંકી મુદ્દતના પ્રશ્ન પર ચર્ચા થશે. વિધાનસભાના મેજ પર વિવિધ વિભાગોના અહેવાલ તેમજ વિવિધ સમિતિઓના અહેવાલ પણ મેજ પર મુકાશે.
ગૃહમાં આજે પણ ૩ વિધાયકો રજૂ થશે
ગુજરાત વિધાનસભાના સત્રના બીજા અને અંતિમ દિવસે ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત વિનિયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક ગૃહમાં રજૂ થશે.
પ્રથમ દિવસે ગૃહમાં ત્રણ બિલ પસાર
રાજય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં લવાયેલા GST સુધારા વિધેયક, ગુજસીટોક સુધારા બિલ અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ સુધારા વિધેયક મંગળવારે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે GSTમાં ટેક્સમાં વધારો,ગુજસીટોકમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને કડક ટીકા કરી હતી. ટીકા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે તડાફડી પણ થઇ હતી.
વિપક્ષે ગૃહની બહાર અને અંદર ભારે હોબાળો કર્યો હતો
ગુજરાત વિધાનસભા ગૃહની શરૂઆત તોફાની રીતે થઇ હતી. પ્રથમ દિવસની શરૂઆતમાં જ કર્મચારીઓના મુદ્દે કોંગ્રેસે ગૃહ બહાર અને ગૃહની અંદર સૂત્રોચ્ચાર,બેનર પ્રદર્શિત કરીને વિરોધ વ્યકત કર્યો હતો. અધ્યક્ષે વેલમાં ધસી આવનારા ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા, તે પછી વિપક્ષના દરેક સભ્યોએ ગૃહત્યાગ કર્યો હતો. જો કે, તે પછી હાથ ધરાયેલી પ્રક્રિયામાં વિપક્ષે જ ઢોર નિયંત્રણ વિધેયક પાછું ખેંચવું જોઇએ તેવો પ્રસ્તાવ મુકતા મંત્રીએ બિલ પાછું ખેચવા દરખાસ્ત કરી હતી. જે સર્વસંમતિથી ત્વરિત પસાર થઈ હતી.
ડ્રગ્સની સ્થિતિ જોવા સિંધુ ભવન રોડ પર આવો: વિરજી ઠુમ્મર
લાઠી વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સુધારા વિધેયક પર પોતાનો મત રજૂ કરતાં ગૃહમાં કહ્યું હતું કે, યુવા ધન બીજા રવાડે ના ચડે એ માટે આતંકી કાયદા કડક બનાવવા જોઈએ. તપાસ એ થવી જોઈએ કે ડ્રગ્સ ખરીદી કોણ રહ્યાં છે? ડ્રગ્સ જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને તાત્કાલિક ફાંસીની સજા આપવા પણ ઠુમ્મરે માગ કરતાં વધુમાં કહ્યું કે, ડ્રગ્સની સ્થિતિ જોવી હોય તો સિંધુ ભવન રોડ પર આવો. તમને જોવા મળશે કે યુવાનો શું કરી રહ્યાં છે ? તેમની કેવી સ્થિતિ છે?
ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી કડક કાયદા અમલી જ છે: ગૃહ રાજ્ય મંત્રી
કોંગ્રેસના ધારાસભ્યોના મત બાદ ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં NDPS અને પીટ NDPS એક્ટ કડક રીતે અમલી છે. NDPS એક્ટ હેઠળ તો ઓડિશાની ગેંગની સંપત્તિ પણ ટાંચમાં લીધી છે તેમ છતાં પણ ડ્રગ્સ માફિયાઓને ગુજસીટોક કાયદા હેઠળ સમાવવા માટે વધારે વિચારણા કરાશે.