મોરબીની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ફેક IDથી રિકવેસ્ટ મોકલી પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
મોરબીઃ શહેરના પોશ વિસ્તારમાં રહેતા સુખી સંપન્ન પરિવારની નિર્દોષ સગીર વયની દીકરીને ઇન્સ્ટાગ્રામ સોશિયલ સાઇટ ઉપર ખોટા નામ ધારણ કરનારા વ્યક્તિએ પ્રેમજાળમાં ફસાવી હતી. તેટલું જ નહીં બાળકી સાથે અશ્લીલ ચેનચાળા કરી ફોટા અને વીડિયો ઊતાર્યા હતા. ત્યારબાદ તેને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત તેને ધમકી આપી નાણા પડાવતો હતો. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ઇન્સ્ટાગ્રામ પર ફેક IDથી રિકવેસ્ટ મોકલી
મોરબી સીએની પેઢીમાં નોકરી કરતી યુવતીને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બદનામ કરવાની ધમકી આપનારા ઇશ્ક મિજાજીનો કિસ્સો સામે આવ્યા બાદ મોરબીના પોશ ગણાતા એક વિસ્તારમાં રહેતી સગીરાને મોરબીના જ એક વ્યક્તિએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી હતી. જેમાં ઇન્સ્ટાગ્રામ આઇડીમાં ફ્રેન્ડ બન્યા બાદ આરોપીએ સગીરા પાસેથી નાણાંની માંગણી કરી હતી અને પોતાના અન્ય મિત્ર સાથે દોસ્તી કરવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત ફેક આઈડી મારફતે મિત્રને સગીરાના અશ્લીલ ફોટા અને વીડિયો મોકલ્યા હતા.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારમાં સગીરાને બોલાવી નરાધમોએ દેહ અભડાવવાની સાથે સગીરાના બિભત્સ ફોટા વિડીયો મેળવી લઈ ભોળપણમાં રહેલી સગીરા પાસેથી નાણાં પણ પડાવી લેતા અંતે હતાશ બનેલી આ સગીરાના પરિવારજનોને આ બાબતની જાણ થતાં હિંમતપૂર્વક ત્રણેય લોકો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.