ડીસામાં ટેન્કર નીચે વિદ્યાર્થી વીસ ફૂટ ઘસડાતા કરુણનું મોત
પાલનપુર: ડીસા કાંટ રોડ પર એરપોર્ટ નજીક આજે (બુધવારે) ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ટેન્કરનું ટાયર વિદ્યાર્થી પર ફરી વળતા ઘટના સ્થળે કરુણ મોત નિપજયું હતું.ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોર્ડન સ્કૂલનો છાત્ર બહેન સાથે સાયકલ પર નિશાળે જતો હતો
ડીસા કાંટ રોડ પર એરપોર્ટ પાસે ટેન્કર ચાલકે અડફેટે લેતા સાયકલ સવાર વિદ્યાર્થીનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. ડીસાની કલાપી નગર સોસાયટીમાં રહેતા મોતીજી પ્રજાપતિનો એકનો એક પુત્ર મનસુખ પ્રજાપતિ અને તેની બહેન સાયકલ લઇને શાળાએ જઇ રહ્યો હતો.ભાઈ અને બહેન એરપોર્ટ પાસેથી સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થી ભાઈ -બહેનને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટેન્કરના ટાયર )ની નીચે ભાઈ મનસુખ આવી જતા 20 ફૂટ ઢસડાયો હતો. અને ટાયર નીચે આવી જતા તેની ખોપડી ફાટી જતા તેનું ઘટના કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે બહેનનો આબાદ બચાવ થયો હતો.
બે બહેનો વચ્ચેના એકમાત્ર ભાઈનું મોત થતા પરિવારજનોનું આક્રંદ
ભાઈનું કમકમાટી ભર્યું મોત જોઈ બહેન ત્યાં બેભાન થઈ હતી. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, અને લોકોના ટોળેટોળા આવી ટેન્કરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.જો કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
આ અકસ્માતમાં મોતને ભેટનાર મનસુખ બે બહેનો વચ્ચે એક માત્ર ભાઈ હતો. મનસુખ ડીસાની મોર્ડન સ્કૂલમાં ધોરણ 8 મા અભ્યાસ કરતો હતો.તેના અચાનક મૃત્યુથી પરિવારજનોના કલ્પાંતથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ડીસા ઉત્તર પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.