બનાસકાંઠા : ડીસામાં ગૌ પ્રેમીઓની રેલી, શહેરના લોકો બંધ પાળી જોડાયા
પાલનપુર: બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતની 1700 જેટલી ગૌશાળા અને પાંજરાપોળમાં 4.50 લાખ ગાયના નિભાવ માટે રાજ્ય સરકારે છ માસ અગાઉ ₹500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. જોકે છ માસનો સમય વિત્યા બાદ પણ સરકારે સહાય ચૂકવી ન હતી. જેથી પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોની એક બેઠક ભાભરમાં મળી હતી. અને આક્રમક કાર્યક્રમો આપવાની રણનીતિ ઘડવામાં આવી હતી. ત્યારે બુધવારે તારીખ 21 સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ ગૌશાળા અને પાંજરાપોળના બંધના એલાનના સમર્થનમાં મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોએ બંધ પાળ્યો હતો.
બનાસકાંઠા : ડીસામાં ગૌ પ્રેમીઓની રેલી, શહેરના લોકો બંધ પાળી જોડાયા
ગ્રામ્ય વિસ્તારની ડેરીઓમાં પશુપાલકોએ દૂધ ના ભરાવ્યું #banaskantha #Deesa #dairy #gausala #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/1SHBq3CJ8n— Hum Dekhenge News (@humdekhengenews) September 21, 2022
જ્યારે ડીસા ખાતે રિસાલા ચોકમાંથી ગૌ પ્રેમીઓની રેલી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10:30 વાગે નીકળેલી આ રેલીમાં શહેરના મોટાભાગના વેપારીઓ અને ગૌ પ્રેમીઓ તેમજ સાધુ સંતો સહિત અનેક લોકો આ રેલીમાં જોડાયા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. અને નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચી હતી. દરમિયાન માર્ગમાં ગૌશાળા- પાંજરાપોળ ને જાહેર કરેલી સહાય સરકાર આપે તેવા સૂત્રોચાર પોકારવામાં આવ્યા હતા. જ્યારે સાઇબાબા મંદિર પાસે રેલીમાં એકઠા થયેલા લોકોને કિશોરભાઈ શાસ્ત્રીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં સરકાર જો સહાય નહીં ચૂકવે તો રાજ્યની તમામ પાંજરાપોળા દરવાજા ખોલી અને ગાયોને છોડી મૂકવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારની ડેરીઓમાં પશુપાલકોએ દૂધ ના ભરાવ્યું
આ બંધના પગલે ડીસા તાલુકાના બાઈવાડા, દિયોદર સહિતના અન્ય ગામો પણ બંધ રહ્યા હતા. અને પશુપાલકોએ દૂધ મંડળીમાં દૂધ ભરાવ્યું ન હતું. જેને લઈને બનાસ ડેરીમાં પણ બુધવારે દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે.