કાઠમંડુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા પખવાડિયે નેપાળના સત્તાવાર પ્રવાસે જવાના છે. ત્યાં તેઓ લુંબિની પ્રાંતમાં આવેલા લુંબિની બૌદ્ધ યાત્રાધામની મુલાકાત લેશે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે નિર્ધારિત મુલાકાત માટે મોદીને આવકારવા માટે લુંબિનીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.લુંબિની રહેવાસીઓમાં PM મોદીને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળ્યાનું મીડિયા અહેવાલ જણાવી રહ્યા છે.16 મેએ ગૌતમ બુદ્ધની 2,566મી જન્મજયંતી છે. યૂનેસ્કો સંસ્થાના આમંત્રણને માન આપીને મોદી લુંબિની જવાના છે. યૂનેસ્કો સંસ્થાએ 1997માં લુંબિની યાત્રાસ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઘોષિત કર્યું હતું.
ગૌતમ બુદ્ધ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરશે
હાલ લુંબિનીમાં ચાર હેલિપેડ બાંધવામાં આવી રહ્યા છે. મોદી ઉત્તર પ્રદેશના કુશીનગર શહેરથી લુંબિની જવા રવાના થશે. 16 મેએ મોદી અને નેપાળના વડા પ્રધાન શેરબહાદુર દેઉબા ગૌતમ બુદ્ધ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરશે. વડા પ્રધાન તરીકે મોદીની નેપાળ ખાતેની આ પાંચમી મુલાકાત હશે અને 2019માં બીજી મુદત માટે વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પહેલી હશે. મોદી 2014માં જ નેપાળની મુલાકાત વખતે લુમ્બિની જવાના હતા, પરંતુ તે મુલાકાત રદ કરવામાં આવી હતી.
બુદ્ધ પૂર્ણિમાના મહત્વ અંગે જાણો
વૈશાખની પૂનમને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે. વિશ્વભરમાં બૌદ્ધધર્મને અનુસરનારા લોકો બુદ્ધ ભગવાનની વિશેષ આરાધના કરે છે.બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે.