ગુજરાતી ફિલ્મો માટે ગર્વની ક્ષણ બની રહી છે. આ વખતે 2023 ઓસ્કાર એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ને ઓફિશયલ પસંદ કરવામાં આવી છે. બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતના સબમિશન તરીકે ગુજરાતી ફિલ્મ છેલો શોને રજુ કરવામાં આવશે.
શું છે ફિલ્મની વાર્તા
આ ફિલ્મની વાર્તા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના એક ગામડા પર આધારીત છે. વાર્તામાં એક 9 વર્ષનો છોકરો છે અને તેનું નામ સમય છે. સમય ફિલ્મ જોવા માટે સખત મહેનત કરે છે. આ છોકરો ફિલ્મ જોવા માટે શાળાએ પણ જતો નથી. આ દરમિયાન તે ફિલ્મ થિયેટરના સંચાલક સાથે દોસ્તી કરીને ફિલ્મ જોવા માટે સંચાલકને ટિફિન પણ મોકલાવે છે. આ દરમિયાન ચાલતા સંઘર્ષમાં સમયને સમજાય છે કે, બધો ખેલ વાર્તાનો છે. આ ફિલ્મનું ટ્રેલર પર રિલીઝ કરવામાં આવ્યું છે.
કોણે બનાવી છે ફિલ્મ
છેલ્લો શો ફિલ્મને પાન નલિન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દીપેન રાવલ અને પરેશ મહેતાએ અભિનય કર્યો છે. આ ફિલ્મનું પ્રીમિયર 2021માં ‘ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ’માં થયું હતું. ઓક્ટોબર 2021માં, છેલ્લો શો ફિલ્મે 66માં ‘વૅલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં ગોલ્ડન સ્પાઇક એવોર્ડ પણ જીત્યો હતો. જો કે, આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ નથી કરવામાં આવી.
મહત્વનું છે કે, ભારતમાં બનેલી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને છોડીને ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને પસંદ કરવામાં આવી છે. આ પહેલાં બે ફિલ્મો કે જે ઓસ્કર 2023 માટે ભારતની એન્ટ્રી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું હતું. આ ફિલ્મોમાં કાશ્મીર ફાઇલ્સ અને RRRનું નામ હતું.