સુરતઃ વિકસતિ જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે શાળાઓનું ઉદાસિન વલણ, 370માંથી માત્ર 135 શાળાઓએ જ દરખાસ્ત મોકલી
રાજ્યમાં ધોરણ 9,10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિના પ્રમાણપત્ર મેળવવા માટેની દરખાસ્ત શાળાઓ દ્વારા મોકલવાની હતી. જો કે સુરત શહેરની શાળાઓએ વિકસિત જાતિના પ્રમાણપત્ર માટે દરખાસ્ત મોકલી જ નથી. સુરત શહેરની 370 શાળામાંથી 235 શાળાઓએ વિકસતિ જાતિ કચેરી ખાતે દરખાસ્તો મોકલ્યા જ નથી. જેના અનુસંધાને જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને દરખાસ્ત મોકલવા માટે સૂચન કર્યા છે.
370માંથી 135 શાળાઓએ જ દરખાસ્ત મોકલી
ધોરણ નવ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે અરજી ફોર્મ સાથેની દરખાસ્ત મંગાવવામાં આવી હતી. વિકસતિ જાતિ કચેરી ખાતે 22મી ઓગસ્ટ થી 5મી સપ્ટેમ્બર 2022 સુધી તમામ શાળાઓએ દરખાસ્ત મોકલવાની હતી.
સુરત શહેરમાં કુલ 370 શાળાઓ છે જેમાંથી ફક્ત 135 શાળાઓ તરફથી જ દરખાસ્ત મોકલી છે.જ્યારે બાકીની 235 શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની દરખાસ્ત કચેરી ખાતે રજૂ કરી નથી. જેને લઇ વિદ્યાર્થીઓના જાતિ સર્ટિફિકેટનું કામ સમયસર થતું નથી. ત્યારે આ સંદર્ભે શાળાઓએ ગંભીરતા દાખવવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને ઝડપથી દરખાસ્ત મોકલી આપવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
શાળાઓ ગંભીર બને તો સમસ્યા નિવારી શકાય
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના પ્રમાણપત્ર વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે જરૂરી પડે છે. શાળા કક્ષાએથી જો સમયસર કામગીરી થઈ જાય તો વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી જ પ્રમાણપત્ર મળી જાય તેમ આયોજન કરાયું છે. પરંતુ કેટલીક શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી જેને પગલે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો મળવા મુશ્કેલ બની જાય છે.
દર વર્ષે વિકસતિ જાતિ કચેરી ખાતે વાલી અને વિદ્યાર્થીઓનો મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળે છે.આ ધસારાને ઘટાડવા માટે જ અને વિદ્યાર્થીઓને સરળતાથી જાતિના પ્રમાણપત્ર મળી રહે માટે શાળા તરફથી દરખાસ્તો મોકલવાનું નક્કી કરાયું છે. પરંતુ શાળા દ્વારા આ કામગીરીને ગંભીરતાથી લેવામાં આવતી નથી.ત્યારે આ કામગીરીને તમામ શાળા સંચાલકો ગંભીરતાથી લઈ કામગીરી કરશે તો દર વર્ષે ઉદભવતી પરિસ્થિતિ નિવારી શકાય તેમ છે.