ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કાલે રાજકોટમાં, જનપ્રતિનિધિ સંમેલન સંબોધશે
ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આવતીકાલે પ્રતિનિધિ સંમેલનમાં ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગર ખાતે પધારી રહેલ છે. આ તકે સંમેલનમાં રાજકોટ મહાનગર ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના સાથે ભાજપનું પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નડ્ડા પ્રથમ વખત આવશે રાજકોટ
જનપ્રતિનિધિ સંમેલનમાં ગુજરાતભરમાંથી ચૂંટાયેલ પાંખના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જે.પી. નડ્ડા સૌપ્રથમ વખત રાજકોટ મહાનગરના આંગણે પધારી રહેલ હોય શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા તેમને શાનદાર રીતે સત્કારવા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે.
બપોરે એરપોર્ટ ઉપર 5000 કાર્યકરો સ્વાગત કરશે
આ અંગે વિગતો આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે રાજકોટ મહાનગર ખાતે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતમાં જન પ્રતિનિધિ સંમેલન યોજાઈ રહ્યુ છે જેમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે તા.૨૦/૯ના મંગળવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે અધ્યક્ષ રાજકોટ એરપોર્ટ ખાતે પધારશે ત્યારે એરપોર્ટ ખાતે ૫ હજારથી વધુ સંખ્યામાં કાર્યકરો દ્વારા જાજરમાન સ્વાગત કરાશે. જેમાં બાળાઓ દ્વારા રાસની જમાવટ, નાસીક ઢોલ, ડી.જે., દેશભક્તિના ગીતો, તરણેતર છત્રી, રંગબેરંગી ફુગ્ગાઓ, રંગબેરંગી ફટાકડા, આદીવાસી નૃત્ય, સાંસ્કૃતીક કાર્યક્રમો સહિતના સાહિત્યો સાથે કેસરીયા વાતાવરણમાં જે.પી.નડ્ડાનું વાજતેગાજતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે અને એરપોર્ટ ખાતે કેસરીયો માહોલ છવાશે.
જન પ્રતિનિધિ સંમેલનમાં રેસકોર્ષ ખાતે ભવ્ય વોટરપ્રુફ ડોમ તૈયાર કરાયો
આવતીકાલે તા.૨૦/૯ના બપોરે ૧ઃ૦૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જન પ્રતિનિધિ સંમેલનમાં રેસકોર્ષ ખાતે ભવ્ય વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવેલ છે અને સંમેલન માટે વિવિધ સમિતિઓ જેમ કે મુખ્ય સમિતિ, ગ્રાઉન્ડ, લાઈટ, માઈક, મંડપ સમિતિ, વી.વી.આઈ.પી. વ્યવસ્થા, જનરલ બેઠક વ્યવસ્થા, પાર્કીંગ સમિતિ, મીડીયા સિમિત, સુશોભન સિમિત, ભોજન સમિતિ સોશ્યલ મીડીયા સમિતિ, વી.વી.આઈ.પી. ભોજન સમિતિ, વી.વી.આઈ.પી. પાર્કીંગ સમિતિ સાંસ્કૃતીક સમિતિ, સ્ટેજ સમિતિ, એરપોર્ટ સમિતિ, સાહિત્ય વિતરણ સમિતિની રચના કરી જવાબદારીઓની સોંપણી કરવામાં આવેલ છે, આ સમિતિઓમાં ૫૦૦ વધુ કાર્યકર્તાઓનો સમાવેશ કરી વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સતત માર્ગદર્શન પુરું પાડી રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશમાંથી અગ્રણીઓ રાજકોટમાં ઉપસ્થિત રહી વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડશે.