અમદાવાદ મેટ્રો માટે થઈ જાઓ તૈયાર, વડાપ્રધાન મોદી આપશે ભેટ
વિધાનસભાની ચૂંટણી અને તહેવારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. જેમાં આગામી નવરાત્રી દરમિયાન 29 અને 30 સપ્ટેમ્બરના બંને નેતાઓ ગુજરાતમાં અમદાવાદ,સુરત,ભાવનગર અને અંબાજીની મુલાકાત લેવાના છે. આ દરમિયાન રાજ્યની સૌથી મહત્વની મેટ્રો ટ્રેન સેવાને પણ શરૂ કરશે.
30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોજી અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. ઉપરાંત થલતેજમાં દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવવાના છે અને તેઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે તેવી પણ શક્યતા છે.
વડાપ્રધાન મોદીના કાર્યક્રમને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. થલતેજ-વસ્ત્રાલ રૂટની ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમી સુધીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 6.53 કિમીના અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ 4 સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અંબાજી ટ્રેન સેવાના કાર્યનું પણ નિરિક્ષણ કરી તેને આગળ ધપાવવા માટે વડાપ્રધાન મોદી અંબાજીની મુલાકાત લઈ શકે છે. જ્યારે સુરત અને ભાવનગર ખાતે વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કરી શકે છે. જેથી આગામી દિવસમાં વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ મહત્વનો બની રહેશે.
આ પણ વાંચો : નવરાત્રીમાં વરસાદને લઈને ખેલૈયાઓ માટે રાહતના સમાચાર