ચૂંટણી 2022નેશનલ

બિહારના ડે. સીએમ તેજસ્વી યાદવ ઉપર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને CBI અધિકારીઓને ધમકી આપવાનો આરોપ

Text To Speech

બિહારના બહુચર્ચિત IRCTC કૌભાંડ મામલે ડે. સીએમ તેજસ્વી યાદવ ઉપર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને CBI અધિકારીઓને ધમકી આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે. સીબીઆઈએ જામીન રદ કરવા માટે દિલ્હીની વિશેષ અદાલતમાં અરજી દાખલ કર્યા બાદ બિહાર ભાજપના વડા સંજય જયસ્વાલે પણ તેજસ્વી યાદવ સામે મોરચો ખોલ્યો છે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલે રવિવારે આરોપ લગાવ્યો હતો કે આરજેડી નેતાએ કેન્દ્રીય તપાસ એજન્સી અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય અને તેમના અધિકારીઓને ધમકી આપી હતી. તેજસ્વી યાદવ દ્વારા ગયા મહિને આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા સંજય જયસ્વાલે કહ્યું હતું કે બિહારમાં દરેક વ્યક્તિ જાણે છે કે ‘અકડ ઠંડા કર દેંગે’નો અર્થ શું છે ? આ દરમિયાન સંજય જયસ્વાલે એ આરોપોને પણ ફગાવ્યા હતા જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે CBI સાથેના કાનૂની વિવાદમાં ભાજપની મોટી ભૂમિકા છે. તેમણે કહ્યું કે તેજસ્વી યાદવ વિરુદ્ધની મોટાભાગની માહિતી રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકાર દ્વારા સીબીઆઈને આપવામાં આવી હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે બંને વચ્ચે કેવું ગઠબંધન થયું છે.

શું છે આખો મામલો ? શું કહ્યું હતું યાદવે ?

ઉલ્લેખનીય છે કે IRCTC કૌભાંડમાં CBIએ તેની સાથે સંકળાયેલા અધિકારીઓને ધમકાવવાના કેસમાં તેજસ્વી યાદવની જામીન રદ કરવા માટે દિલ્હીની વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી હતી. શનિવારે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ સ્પેશિયલ કોર્ટના જજ ગીતાંજલિ ગોયલે સીબીઆઈની અરજી પર તેજસ્વી યાદવને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. સીબીઆઈએ તેની અરજીમાં કહ્યું છે કે તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સમાં સીબીઆઈ અધિકારીઓને ધમકી આપી હતી, તેથી તેના જામીન રદ કરવામાં આવે. સીબીઆઈએ કહ્યું કે તેજસ્વીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે શું સીબીઆઈના લોકો પાસે મા – દીકરો નથી, તેમનો પરિવાર નથી ? શું તે હંમેશા સીબીઆઈ અધિકારી રહેશે ? શું તે નિવૃત્ત નહીં થાય ? શું હંમેશા એક જ સરકાર સત્તામાં રહેશે ? મહત્વનું છે કે IRCTC કૌભાંડ લાલુ પ્રસાદ યાદવના રેલ્વે મંત્રીના કાર્યકાળ દરમિયાનનું છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. લાલુ યાદવના પરિવારના ઘણા સભ્યો કૌભાંડ કેસમાં આરોપી છે. તેમાં તેજસ્વી યાદવ પણ સામેલ છે.

Back to top button