પંજાબની ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ નહાતી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ હંગામો મચી ગયો છે. આ મામલે શનિવારે રાત્રે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે જે જે વિદ્યાર્થિનીઓના વીડિયો વાયરલ થયા છે તેમાંથી 8 વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાની કોશિશ કરી છે. જેમાંથી એકનું મોત થયું છે. જો કે આ આક્ષેપને મોહાલીના એસએસપી વિવેક શીલ સોનીએ નકારી કાઢ્યો છે.
આપઘાતની વાતો અફવા: પોલીસ
એસએસપી વિવેક શીલ સોનીએ કહ્યું, ‘ગઈ સાંજે એક છોકરીએ વીડિયો બનાવ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. બાદમાં અફવા ફેલાઈ કે વધુ વીડિયો બનાવવામાં આવ્યા છે. આ માટે અહીંના કેટલાક વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. આ મામલે એફઆઈઆર લખવામાં આવી છે. આરોપી ઝડપાઈ ગઈ છે. જો કે આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી.
#WATCH | So far in our investigation, we have found out that there is only one video of the accused herself. She has not recorded any other video of anyone else. Electronic devices and mobile phones have been taken into custody and will be sent for forensic examination: Mohali SP pic.twitter.com/wv5dKYzYCr
— ANI (@ANI) September 18, 2022
ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે: SSP
મોહાલીના SSPએ પણ આત્મહત્યાના પ્રયાસના દાવાને નકારી કાઢ્યો છે. “વિદ્યાર્થીઓના મેડિકલ રેકોર્ડ મેળવવામાં આવ્યા છે. મેડિકલ રેકોર્ડ મુજબ કોઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો નથી. ફોરેન્સિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.
વીડિયો યુવતીએ પોતે બનાવ્યો છેઃ SSP સોની
SSP વિવેક શીલ સોનીએ કહ્યું, ‘હવે અમે આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. અમારી પાસે જે પણ માહિતી અને વીડિયો છે તેની અમે ફોરેન્સિક તપાસ કરાવી રહ્યા છીએ. અમે અત્યાર સુધી કરેલી તપાસમાં સ્પષ્ટ થયું છે કે જે વીડિયો છે તે યુવતીએ જાતે જ પોતાનો બનાવ્યો છે. તે સિવાય અન્ય કોઈનો વીડિયો નથી.
દોષિતોને બક્ષવામાં આવશે નહીં: શાળા શિક્ષણ મંત્રી
પંજાબના શાળા શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ચંદીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શાંત રહેવાની અપીલ કરી છે અને ખાતરી આપી છે કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. આ મામલે પંજાબ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ મનીષા ગુલાટીનું નિવેદન પણ આવ્યું છે. ગુલાટીએ કહ્યું, ‘આ ગંભીર બાબત છે, તે ખૂબ જ દુઃખદ છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. હું અહીં તમામ વિદ્યાર્થીનીઓના માતા-પિતાને ખાતરી આપવા આવી છું કે આરોપીઓને છોડવામાં આવશે નહીં.
આ સઘન તપાસનો વિષયઃ મહિલા આયોગ
આ વીડિયો વાઈરલ કરનાર યુવતી પર તાત્કાલિક કાર્યવાહી કરીને અધિકારીઓએ કલમ 354 (C) IT હેઠળ કેસ નોંધ્યો છે. કડક કાર્યવાહી કરવામાં આવશે… જો આ બધું પહેલેથી જ ચાલતું હતું તો હું તમને ખાતરી આપું છું કે આ સઘન તપાસનો વિષય છે અને હું આ બાબત પર નજર રાખીશ. આ મામલામાં જૂઠ ફેલાવવામાં આવ્યું હતું કે કેટલીક છોકરીઓએ આત્મહત્યા કરી છે. આ બધી અફવાઓ છે. કોઈ છોકરીએ આત્મહત્યા કરી નથી અને કોઈ હોસ્પિટલમાં નથી.