જાન્યુઆરી-2022માં કેનેડા-યુએસ બોર્ડરથી લગભગ 12 મીટર દૂર ઇમર્સન મેનિટોબા પાસે ગુજરાતી મૂળનાં એક જ પરિવારનાં ચાર ભારતીયોના મૃતદેહ મળી આવ્યા હતા. અમેરિકા જવાની આવી ઘેલછા કેમ ?
કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા છ ભારતીયોની કેનેડા-યુએસ બોર્ડર પર ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો બોટમાં બેસીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમની સાથે અન્ય એકની ધરપકડ કરવામાં આવી છે, જે અમેરિકાનો નાગરિક છે અને તેની સામે માનવ તસ્કરીનો કેસ નોંધાયેલો છે.
કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રહેલા છ ભારતીયોને યુએસ બોર્ડર પર તૈનાત અધિકારીઓએ પકડી પાડ્યા છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મસેના બોર્ડર પરથી કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે યુએસ બોર્ડર પર પેટ્રોલિંગ એજન્ટોની મદદથી સેન્ટ રેગિસ મોહૌક ટ્રાઇબલ પોલીસ ડિપાર્ટમેન્ટ, અસ્કેન મોહૌક પોલીસ સર્વિસ અને હોગન્સબર્ગ-એક્વેસ્ને સ્વયંસેવક ફાયર વિભાગે તેમની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલ તમામ છ ભારતીયો 19 થી 21 વર્ષની વય જૂથના છે. તમામ પર અમેરિકી કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે જ સમયે, સાતમો યુવક અમેરિકાનો નાગરિક છે, જેના પર માનવ તસ્કરીમાં સામેલ હોવાનો આરોપ છે. જો દોષી સાબિત થાય તો આ લોકોને દંડ સાથે 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ ગયા અઠવાડિયે Aquesne Mohawk Police Serviceને કરવામાં આવી હતી, જેણે સેન્ટ રેગિસ મોહૌક પોલીસને એક બોટ વિશે જાણ કરી હતી જે કેનેડાના ઑન્ટારિયોથી યુનાઇટેડ સ્ટેટ્સ તરફ જઈ રહી હતી. આ બોટમાં ઘણા લોકો સામેલ હતા. વળી બોટ પર લાઈફ જેકેટ પણ હાજર નહોતા.
ગત જાન્યુઆરીમાં સરહદ પર ભારતીય પરિવારનાં મૃતદેહો મળી આવ્યા હતા
આપને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડા-યુએસ બોર્ડરથી લગભગ 12 મીટર દૂર ઇમર્સન મેનિટોબા પાસે ચાર ભારતીયોના મૃતદેહ મળી આવ્યા હતા. ચારેય એક જ પરિવારના હતા. જેમાં 39 વર્ષીય જગદીશ બલદેવભાઈ પટેલ, 37 વર્ષીય વૈશાલીબેન પટેલ, 11 વર્ષીય વિહાંગી પટેલ અને ત્રણ વર્ષીય ધાર્મિક પટેલનો સમાવેશ થાય છે. પરિવાર પગપાળા કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.