ટોપ ન્યૂઝનેશનલ

ચંદીગઢ યુનિવર્સિટીમાં હંગામો, 60 વિદ્યાર્થિનીઓના MMS વાયરલ, 8એ કર્યો આપઘાતનો પ્રયાસ

Text To Speech

મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં ગત મોડી રાત્રે જોરદાર હંગામો થયો હતો. ગર્લ્સ હોસ્ટેલમાં નહાતી વખતે એક વિદ્યાર્થિનીએ 60 વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવીને અન્ય યુવકને મોકલી દીધા હતા. યુવકે આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલાની જાણ થતાં જ હોસ્ટેલમાં રહેતી આઠ વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં આરોપી વિદ્યાર્થિનીને કસ્ટડીમાં લેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી વિદ્યાર્થિની લાંબા સમયથી અન્ય વિદ્યાર્થિનીઓ જયારે નહાતી હતી ત્યારે વીડિયો બનાવી લેતી હતી. અને તેને શિમલાના એક યુવકને મોકલી રહી હતી. યુવકે આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર મુક્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીઓએ ઈન્ટરનેટ મીડિયા પર તેનો વીડિયો જોયો ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ હતી.

ચંદીગઢ યુનિવર્સિટીમાં હંગામો

ઈન્ટરનેટ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીઓને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ પર મામલો દબાવવા માટે દબાણ કરી રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ અંગે કોલેજ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ કોલેજ મેનેજમેન્ટે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ શનિવારે મોડી રાત્રે ચંદીગઢ યુનિવર્સિટીને ઘેરી લીધી અને ‘વી ફોર જસ્ટિસ’ના નારા લગાવવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બનાવનાર યુવતીને હોસ્ટેલના એક રૂમમાં બંધ રાખવામાં આવી છે. જેથી તેના પર હુમલો ન થાય.

60 વિદ્યાર્થિનીઓના MMS વાયરલ

હંગામો એટલો વધી ગયો કે સિક્યોરિટી ગાર્ડને મુખ્ય દરવાજો બંધ કરી દેવો પડ્યો હતો. જ્યારે પોલીસ ફોર્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ પીસીઆર વાહનો પણ પલટી નાખ્યા હતા અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મામલો મોટો હોવાથી પોલીસ પ્રશાસન પણ કંઈ બોલી રહ્યું નથી. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ બાબતે મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી. પરંતુ મેનેજમેન્ટે આ મામલે મૌન સેવ્યું હતું. તેણે આ બાબતે કોઈને પણ કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. ગઈકાલે રાત્રે વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી.

Back to top button