વિપુલ ચૌધરી કેસમાં હવે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મોટા નેતા સામે સવાલ
વિપુલ ચૌધરીના કેસમાં હવે મોટા નેતાઓ પર પણ શંકાના વાદળો આવી રહ્યા છે. આ જ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને મહેસાણા કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. હાલમાં પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ધરપકડ કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આ અંગેની જાણકારી અનુસાર દૂધસાગર ડેરીના સાગરદાણ બાબતે મહેસાણા કોર્ટમાં ચાલી રહેલા કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરવામાં આવ્યું છે. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા.
આ પણ વાંચો : વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ઉત્તર ગુજરાતમાં પડઘા
શંકર ચૌધરીના ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા આપેલી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આથી 6 ઓક્ટોમ્બરના રોજ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે.
વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા. હાલ વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા માટે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવાનો અને ગેરરીતી આચરવાનો આરોપ લાગેલો છે.