રાજ્યમાં સરકારી કર્મચારીઓ દ્વારા પગાર વધારા સહિતની પડતર માંગણીઓને ધ્યાનમાં રાખી છેલ્લા ઘણા દિવસોથી આંદોલનના માર્ગ ઉપર ચાલી રહ્યા છે ત્યારે આજે સરકાર દ્વારા તેઓનું અમુક માંગ સ્વીકારી તેના ઉપર જરૂરી સુચનો અને શરતો સાથે તેની અમલવારી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં આ પ્રકારની માંગ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોની બહેનો દ્વારા પણ કરવામાં આવી રહી હતી જેને પણ સરકારે ખુશ કરી દેતો નિર્ણય લઈ તેમના માનદ વેતનમાં વધારો કરી આપ્યો છે. હવે તેઓને રૂ.10 હજાર તથા રૂ. 5500 નું વેતન મળવા પાત્ર રહેશે.
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય
આ અંગે આજે સરકારના પ્રવક્તા અને રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની જાહેરાત કરતો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. જેના કારણે આંગણવાડી બહેનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.