હવે મહિલાઓને ટ્રેનમાં સીટ માટે ચિંતા કરવાની જરૂર નહીં પડે. રેલ્વે દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે મહિલાઓને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. નવી જાહેરાત મુજબ ભારતીય રેલ્વે બસ અને મેટ્રો ટ્રેનની જેમ મહિલાઓ માટે પણ સીટો અનામત રાખશે.
મહિલાઓ માટે અનામત બેઠક
હવે રેલ્વે દ્વારા લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે સીટો આરક્ષિત કરવામાં આવી છે. આ સિવાય મહિલાઓની સુરક્ષા માટે પણ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ટ્રેનોમાં મહિલાઓની સુવિધા માટે ભારતીય રેલ્વેએ રિઝર્વ બર્થ ફિક્સ કરવા સહિત અનેક સુવિધાઓ શરૂ કરી છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં મહિલાઓ માટે છ બર્થ આરક્ષિત હશે. રાજધાની એક્સપ્રેસ, ગરીબ રથ અને દુરંતો સહિત સંપૂર્ણ એરકન્ડિશન્ડ એક્સપ્રેસ ટ્રેનોના થર્ડ એસી (3AC ક્લાસ)માં છ બર્થ મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવ્યા છે.
આ મહિલાઓ માટે સીટો આરક્ષીત
ટ્રેનના દરેક સ્લીપર કોચમાં છ લોઅર બર્થ, 3 ટાયર એસી કોચમાં ચારથી પાંચ લોઅર બર્થ અને 2 ટાયર એસી સિનિયર સિટીઝનમાં ત્રણથી ચાર લોઅર બર્થ, 45 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે આરક્ષિત છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મહિલા મુસાફરોની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) GRP અને જિલ્લા પોલીસ મુસાફરોને સુરક્ષા પૂરી પાડશે. આ સિવાય ટ્રેનો અને સ્ટેશનો પર મહિલાઓ સહિત અન્ય મુસાફરો માટે જીઆરપીની મદદથી પગલાં લેવામાં આવી રહ્યા છે.