સુરતમાં મોટી દુર્ઘટના: લિફ્ટ તૂટી પડતા 2 શ્રમિકોના મોત
અમદાવાદ લિફ્ટનો સ્લેબ તૂટતા થયેલ 7 મજૂરોના કરૂણ મોતને બાદ આજે સુરતમાં આવી એક ઘટના સામે આવી છે. સુરતમાં બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતા બે શ્રમિકોના કરુણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર સુરતના બામરોલી વિસ્તારની તુરૂપતિ પ્લેટિનિયમ કોમ્પલેક્સમાં આ ઘટના બની છે. આ બિલ્ડિંગના 14મા માળેથી નીચે પટકાતા બે કારીગરોના મોત થયા છે.
બંને કારીગરો લિફ્ટનું રિપેરિંગ કામ કરી રહ્યાં હતા:
શહેરના પાંડેસરા વિસ્તારના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ લિફ્ટ આ બંને કારીગરો રિપેરિંગનું કામ કરી રહ્યાં હતા. ત્યારે 14મા માળેથી પટકાતા ઘટના સ્થળે જ બન્નેના કરૂણ મોત નિપજ્યાં છે. જોકે આ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બંને કામદારો 14માં માળેથી નીચે પટકાયા:
વધુમાં જણાવી દઇએ કે, પાંડેસરામાં લિફ્ટના કામકાજ દરમિયાન બે કામદારો 14માં માળેથી નીચે પટકાતા તેઓના મોત થયા છે. પાંડેસરાના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના બની હતી.
બંને કામદારો મહારાષ્ટ્રના વતની:
મળતી માહિતી મુજબ, બંને કામદારો મહારાષ્ટ્રના નંદુરબારના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે કે જેમાં જોઇ શકાય છે કે તેમાં લિફ્ટનું કામકાજ ચાલી રહ્યું છે. જોકે કયા કારણોસર તેઓનું મોત થયું છે એ અંગે હજુ સુધી કોઇ વિગતવાર જાણકારી સામે નથી આવી.
તાજેતરમાં જ અમદાવાદમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત થયા હતા:
અમદાવાદમાં પણ બુધવારના રોજ આ જ પ્રકારે એક ઘટના ઘટી હતી. જેમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર એસ્પાયર-2 બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મૃત્યુ થયા હતા. જે મામલે બિલ્ડરને સાઇટ ક્લોઝર નોટિસ પણ ફટકારાઇ હતી. આ ઘટનામાં પોલીસે 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી હતી. પોલીસે 3 કોન્ટ્રાકટરો વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી હતી. તદુપરાંત મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર પણ ચૂકવાશે કે જેની વસૂલાત બિલ્ડર પાસેથી જ કરાશે.