નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોનો રિપોર્ટ : ગુજરાતમાં ગુનાખોરી પ્રવૃતિમાં મોટો ઘટાડો, શું છે આંકડાકીય સ્થિતિ
ગાંધીનગર : નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુના સંબંધિત માહિતી એકઠી કરીને દર વર્ષે ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા’નામની પુસ્તિકા બહાર પાડવામાં આવે છે. તેમાં એક લાખની વસ્તી સામે કેટલા ગુના નોંધાય છે, તે ગુનાનો દર (ક્રાઇમ રેટ) ઓછો નોંધવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા લેવામાં આવેલા નોંધપાત્ર કાયદા સુધારા અને મક્કમ નેતૃત્વ કારણભૂત છે.
- મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ 22.1, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 64.5 કરતા ઘણો ઓછો
- હિંસાત્મક ગુનાઓમાં ક્રાઇમ રેટ (11.9) એ દેશના ક્રાઇમ રેટ (30.2) કરતા ઓછો
- શરીર વિરુદ્ધના ગુનાઓના રેટમાં ગુજરાત દેશમાં 31મા ક્રમાંકે
ગુનાહિત પ્રવૃતિઓની સ્થિતિ
હિંસાત્મક ગુનાઓ : હત્યા, હત્યાનો પ્રયત્ન, બળાત્કાર, અપહરણ, લૂંટ વગેરે ગુનાઓમાં ગુજરાતનો ક્રાઇમ રેટ 11.9 છે, જે સમગ્ર દેશના ક્રાઇમ રેટ 30.2 કરતા ઘણો ઓછો છે. તે સિવાય વર્ષ 2021માં ગુજરાતમાં ખૂનનો ક્રાઇમ રેટ 1.4 છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 2.1 કરતા ઓછો છે.
અપહરણના ગુનાઓનો ક્રાઇમ રેટ ગુજરાતમાં 2.3 છે, જે ઓલ ઇન્ડિયાના ક્રાઇમ રેટ 7.4 કરતા ઓછો છે. ગુજરાતમાં અપહરણના ગુનાના ક્રાઇમ રેટનો ટ્રેન્ડ જોઇએ, તો પાછલા વર્ષોની સરખામણીએ સતત ઘટાડો નોંધાયો છે. તેના આંકડા આ પ્રમાણે છે- 2018 (3.0), 2019 (2.7) અને 2021 (2.3).
મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ 22.1 છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 64.5 કરતા ઘણો ઓછો છે. અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે આસામ (168.3), દિલ્હી (147.6), તેલંગાણા (119.7), રાજસ્થાન (105.4), પશ્વિમ બંગાળ (74.6), કેરળ (73.3) અને આંધ્રપ્રદેશ (67.2) ની સરખામણીએ ગુજરાતમાં મહિલા વિરુદ્ધના ગુનાઓનો દર ખૂબ જ ઓછો છે.
આ પણ વાંચો : પાટનગર આંદોલનોનું એપી સેન્ટર,એક-બે નહીં પણ 5-5 વિરોધ પ્રદર્શનના ગાંધીનગરમાં પડઘા
શરીર વિરુદ્ધના ગુનાઓ ( ખૂન, ખૂનનો પ્રયત્ન, ગંભીર, ઈજા, બળાત્કાર વગેરે ) માં ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 80.5ની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ 28.6 રહ્યો છે. આ ગુનાના ક્રાઇમ રેટમાં કુલ 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 31મા ક્રમાંકે છે. ચોરીના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ 15. 2 છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 42.9 કરતા ઘણો ઓછો છે. યાદીમાં ગુજરાત 27મા ક્રમાંકે છે.
કાયદા સુધારા અને ટેક્નોલોજીનો ઉપયોગથી પરિણામ
રાજ્યમાં નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને જૂના કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. GUJCTOC, જમીન પચાવી પાડવા વિરુદ્ધના કાયદા, ક્રિમિનલ અમેન્ડમેન્ટ ઍક્ટમાં ફાંસીની સજા સુધીની જોગવાઇ, ચેઇન સ્નેચિંગ, હ્યુમન ટ્રાફિકીંગ વગેરે જેવા કાયદાઓમાં સજાના ધોરણોમાં વધારો વગેરેને કારણે ગુનેગારોમાં ભય વધ્યો છે, જેના પરિણામે ગુનાઓમાં ઘટાડો થયો છે.
તે સિવાય પોલીસ વિભાગ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ તમામ જિલ્લાઓમાં 7 હજારથી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે. 41 શહેરોમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઇ-ચલણ ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ગેનીબેનનો પોલીસને પડકાર, એકપણ બેન સામે આંગળી ઉપાડશો, તો આંગળી કાપી નાખીશ