રાજકોટમાં સોલાર સ્ટાર્ટઅપ ડેમો – ડેની ઉજવણી કરવામાં આવી
હાલના ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય વિઘાતક પરિવર્તનને રોકવા કાર્બન ઉત્સર્જન અને પ્રદર્ષણને અટકાવવું જરૂરી છે. બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન આ પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ કદમ બની રહયું છે. જે અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે પીજીવીસીએલ દ્વારા i-Hub, SUSEC, Force FEDSMIના સહયોગથી સોલાર સ્ટાર્ટઅપ ડેમો- ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
પર્યાવરણ અને કલાયમેટ ચેન્જની સમસ્યાઓનો ઉકેલ લાવવા નવા સંશોધનો કરવા જરૂરી
દિપપ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા પી.જી.વી.સી.એલ.ના જોઇન્ટ એમ. ડી. પ્રીતિબેન શર્માએ જણાવ્યું હતું કે, અત્યારે આપણો દેશ રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરવા તથા પર્યાવરણ અને કલાયમેટ ચેન્જની સમસ્યાઓનો ઉકેલ લાવવા સોલાર એનર્જી ક્ષેત્રે નવા સંશોધનો કરવા અને આ ક્ષેત્રે વધુમાં વધુ ઉદ્યોગો સ્થાપવા જરૂરી છે.
સોલાર ક્ષેત્રે કાર્યો માટે વિશ્વ આખુ ભારત તરફ મીટ માંડી રહયું છે : ચેરમેન જય પ્રકાશ શિવહરે
આ માટે તેઓએ ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા જીયુવીએનએલ, એમડી અને પીજીવીસીએલ, ચેરમેન જય પ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, સૌર અને બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ઉત્પાદન વધારવા નવા ઔદ્યોગિક સાહસિકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. પર્યાવરણીય વિઘાતક પરિવર્તનને અટકાવવા માટેના સુદ્રઢ આયોજન માટે વિશ્વ આખું ભારત તરફ મીટ માંડી રહયું છે.
લોકોને ખર્ચાળના બદલે સોલાર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નવા ઉદ્યોગ સાહસીકોને પ્રોત્સાહિત કરવાનો હેતુ
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરતા પ્રોજેકટ હેડ જય જોષીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ લોકોમાં ખર્ચાળ અને પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદિત વીજ ઉર્જાનાં ઉપયોગને ઘટાડીને બિનપરંપરાગત સ્ત્રોત અપનાવવા તથા સોલાર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નવા ઉદ્યોગ સાહસીકોને પ્રોત્સાહિત કરવાનો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ 2.0’ પ્રોગ્રામ થકી 35 વર્ષ સુધીના કોઈપણ એકેડેમિક કે નોન-એકેડેમિક વ્યક્તિ પોતાનો નવો સ્ટાર્ટઅપ ઉદ્યોગ શરૂ કરી શકે છે. રાજય સરકાર ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે સેતુ બનીને વિદ્યાર્થીઓને થિયરી સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.