ઓગસ્ટમાં ભારતની વેપાર ખાધ બમણી થઈને 27.98 અબજ ડોલર થઈ છે. વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં અનુસાર ઓગસ્ટ, 2021માં દેશની વેપાર ખાધ 11.71 અબજ ડોલર હતી.
ડેટા અનુસાર ઓગસ્ટમાં દેશની નિકાસ 1.62 ટકા વધીને 33.92 અબજ ડોલર થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ મહિના એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન દેશની નિકાસમાં 17.68 ટકાનો વધારો થયો છે અને તે 193.51 અબજ ડોલરની રહી છે.
બીજી તરફ જો આયાતની વાત કરીએ તો આ વર્ષે ઓગસ્ટમાં દેશની આયાત 37.28 ટકા વધીને 61.9 અબજ ડોલર થઈ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિના એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આયાત 45.74 ટકા વધીને 318 અબજ ડોલર રહી છે.
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ મહિના એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન દેશની વેપાર ખાધ વધીને 124.52 અબજ ડોલર થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 53.78 અબજ ડોલર હતી. જ્યારે કોઈ દેશ તેની નિકાસ કરતા વધુ આયાત કરે છે, ત્યારે તેને વેપાર ખાધનો સામનો કરવો પડે છે.
CAD પણ વધવાની શક્યતા
સ્થાનિક રેટિંગ એજન્સી ICRAએ જણાવ્યું કે ભારતની ચાલુ ખાતાની ખાધ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDPના 5% સુધી વધી શકે છે. ચાલુ ખાતાની ખાધ FY2023ના બીજા ત્રિમાસિક ગાળામાં 41થી 43 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચવાનો અંદાજ છે. બીજા ક્વાર્ટરમાં તે જીડીપીના 5% પહોંચી શકે છે, જે FY12ના ત્રીજા ક્વાર્ટર બાદનું ઉચ્ચતમ સ્તર છે.