ડીસાના ઘન કચરા નિકાલ પ્લાન્ટમાં ગાયોના મૃતદેહ ફેકાતા દુર્ગંધ ઉઠી
પાલનપુર: રાજ્યભરમાં લમ્પી વાયરસે ગાયોમાં કહેર ફેલાવતા ગાયોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે હવે મૃતદેહનો નિકાલ કરવો પણ માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા ઘન કચરા નીકાલના પ્લાન્ટમાં જ લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહ ઠાલવવામાં આવતા ચોતરફ દુર્ગંધ પ્રસરી રહી છે. અને સમગ્ર જૂના ડીસા ગામ દુર્ગંધના કારણે રોગચાળાના ભરડાનો શિકાર બનવાની અણી પર છે. ગ્રામજનોએ આ અંગે કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી છે.
ડીસા પાલિકાના ટ્રેક્ટરમાં જ ગાયોના મૃતદેહ લાવતા ગ્રામજનોએ પકડયા
ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લમ્પી વાયરસના કારણે ગાયો ટપોટપ મરી રહી છે.સરકાર અને લોકોના અનેક પ્રયત્નો બાદ પણ લમ્પી વાયરસ અટકવાનું નામ લેતો નથી.ત્યારે હવે ગાયોના મૃતદેહના નિકાલ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. ડીસા શહેરમાં મૃત પામતી ગાયોને નગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ જુનાડીસા ખાતે આવેલા પાલિકાના ઘન કચરા નિકાલના પ્લાન્ટમાં કચરાની ભેગોજ ફેકવામાં આવી રહ્યા છે. જેના કારણે મૃત ગાયો સડીને દુર્ગંધ ફેલાઈ રહી છે. ડીસા પાટણ હાઈવે પર પસાર થતા સમગ્ર માર્ગ પર દુર્ગંધના કારણે ચાલવું મુશ્કેલ બની ગયું છે.
જુનાડીસા ગામમાં દુર્ગંધ ફેલાતા રોગચાળાનો ભય
જ્યારે બાજુમાં જ ડીસા તાલુકાનું સૌથી મોટું ગામ જુનાડીસા ગામ આવેલું હોય સમગ્ર ગામમાં દુર્ગંધ પ્રસરી છે. જેના કારણે ગ્રામજનોનું જીવવું દુષ્કર બની ગયું છે અને આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. છેલ્લા બે દિવસથી જુનાડીસા ગ્રામજનોએ વોચ રાખતા ખુદ ડીસા નગરપાલિકાના ટ્રેક્ટરમાં ગાયોના મૃતદેહ લાવતા ઝડપ્યા હતા. અને વિડિયો ફોટોગ્રાફી કરી આ અંગે કલેકટરને પણ જાણ કરી છે. સરકારી સૂત્રો અનુસાર બુધવારે વધુ 7 પશુઓના મોત નિપજયા હતા. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 700 થી વધુ પશુઓના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો: સરદાર સરોવર ડેમ થયો ઓવરફલો, CMએ પુષ્પથી કર્યા વધામણા