રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં પણ મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે તડામાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના લીધે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે.
અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બંધ થઇ ગયો હોવા છતાં હજુ સુધી કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. કારણ કે ડ્રેનેજની સુવિધા ન હોવાના કારણે શહેરીજનોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. નિચાણવાળા રોડરસ્તા પર પણ ઢીંચણસમા પાણી ભરાઇ જતા વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હજુ પણ વરસાદની વકી
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે રાજ્યમાં હજુ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં પોરબંદર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.