ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં ‘જંગલરાજ’, 30 કિમી સુધી જે દેખાયું તેના પર ફાયરિંગ

Text To Speech

બિહારના બેગૂસરાયમાં મંગળવારની સાંજે 11 લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે તો 10 જેટલા લોકો ઘાયલ થયા છે. આ મામલે હવે નીતિશ સરકાર એક્શનમાં આવી છે. ઘટનાને લઈ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ડીજીપી એસ.કે.સિંઘલ સાથે લગભગ 55 મિનિટ સુધી વાત કરી હતી.

7 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

બેગૂસરાયમાં સરાજાહેર કરાયેલા ફાયરિંગની ઘટનાને લઈ અધિકારીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. એડીજી જીતેન્દ્ર સિંહ ગંગવારે માહિતી આપતા કહ્યું કે આ ઘટનાને લઈ 7 પેટ્રોલિંગ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું બહાર આવ્યું છે કે બદમાશોનું નિશાન કોઈ ખાસ વ્યક્તિ ન હતું. તેમજ લૂંટ કે હત્યાનો કોઈ હેતુ નહોતો. પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. સ્પેશિયલ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.

દરોડા માટે 4 ટીમો બનાવવામાં આવી

ઘટના અંગે, બેગૂસરાયના એસપી યોગેન્દ્ર કુમારે કહ્યું કે ચાર વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આજુબાજુના જિલ્લાઓ જે બેગુસરાયના છે જ્યાંથી ગુનેગારો આવવાની શક્યતા છે ત્યાંના સીસીટીવી જોવામાં આવી રહ્યા છે. સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેઓ શંકાના આધારે દરોડા પાડી રહ્યા છે. ઘટના બાદ જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

પાંચ લોકોની અટકાયત કરવામાં આવી

એસપી યોગેન્દ્ર કુમારે જણાવ્યું કે જિલ્લાની સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે. લગભગ પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ ચાલુ રહેશે. અમને મળેલા તમામ ઇનપુટ્સની અમે તપાસ કરી રહ્યા છીએ. સીસીટીવીમાંથી ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. આ ઘટનાને અંજામ આપનાર બે બાઇક પર ચાર લોકો છે.

મંગળવારની સાંજે અંધાધૂંધ ગોળીબાર, એકનું મોત

પોલીસના કહેવા મુજબ- મંગળવારની સાંજે સવા પાંચ વાગ્યાના સુમારે બાઈક પર બે શખ્સ આવ્યા. બાઈક પાછળ બેસેલા શખ્સના હાથમાં બંદૂક હતી. તે શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું. પહેલી ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું હતું. તો, બેગૂસરાયના અન્ય વિસ્તારોમાં કરાયેલા ગોળીબારમાં 10 લોકો ઘાયલ થયા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે બેગૂસરાય જિલ્લાના એક ખૂણેથી અન્ય ખૂણા સુધી એમ 30 કિલોમીટર સુધી આરોપીએ સતત અંધાધૂંધ ગોળીબાર કરતો રહ્યો અને લોકો ઘાયલ થતાં રહ્યા. પરંતુ. સવાલ એ છે કે ત્યાં સુધી એક પણ જગ્યાએ પોલીસ જોવા ન મળી. એક પણ જગ્યાએ પોલીસ આરોપીઓને પકડી શકી નહીં. જેને લઈ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે.

Back to top button