અમદાવાદઃ સ્કૂલ ફી મુદ્દે વાલી મંડળ હાઇકોર્ટના શરણે ગયું છે. વાલી મંડળે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. ધોરણ 1થી 8ના વર્ગો 3 જ મહિના ચાલ્યા હોવાથી 25 ટકા સ્કૂલ ફી માફ કરવાની માગ કરી છે. તેટલું જ નહીં સંપૂર્ણ કોર્ષ પણ પૂરો થયો ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
આ મામલે નરેશ શાહે જણાવ્યું છે કે, ‘સંપૂર્ણ વર્ષ દરમિયાન શિક્ષણ ઑફલાઈન ના થઈ શક્યું તેમજ કોર્ષ પણ પૂરો ના થવાને કારણે રાજ્ય સરકારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. સરકારે માસ પ્રમોશન જાહેર કર્યું છે એવામાં શૈક્ષણિક વર્ષ 2020-21માં 25 ટકા ફી માફી માટે પણ વાલીઓ હકદાર છે. શૈક્ષણિક સત્ર પૂરું થયું અને જો માસ પ્રમોશન અપાતું હોય તો ફીમાં પણ વાલીઓને રાહત મળવી જોઈએ તેવી અમારી માગ છે.’
કોરોનાની બીજી લહેરમાં સરકારે 25 ટકા ફી માફી આપી હતી. જ્યારે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22માં પણ 25 ટકા ફી માફીની મૌખિક જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેનો લાભ વાલીઓને મળ્યો નહીં, અંતે હવે માસ પ્રમોશન અપાયું છે. તો સરકારે વાલીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ તેવું નરેશ શાહે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વાલી મંડળ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી અરજી મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.