ગુજરાતચૂંટણી 2022

ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શીયલ : CM

Text To Speech

ભારત સરકારના શિપીંગ, પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય તેમજ ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દ્વિ-દિવસીય ઇન્ટરનેશનલ સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયો છે. ભારત સરકારના શીપીંગ, પોર્ટસ, વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા રાજ્યના શિક્ષણ સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણી તથા નોર્વે અને ડેન્માર્ક રાષ્ટ્રો સહિત ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ આ ઇન્ટરનેશનલ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ગાંધીનગરમાં શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગેના ઇન્ટરનેશનલ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શીયલ છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

દેશનું 40 ટકાથી વધારે કાર્ગો ગુજરાતના બંદરોએથી સંચાલિત કરવામાં આવે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટની રાહે આગળ વધ્યું છે. દેશનું 40 ટકાથી વધારે કાર્ગો ગુજરાતના બંદરોએથી સંચાલિત કરવામાં આવે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. 1 મેજર તથા 48 નોન મેજર પોર્ટસ ધરાવતા ગુજરાતના નોન મેજર પોર્ટસ પરથી 21 – 22 ના વર્ષમાં 405 મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન થયું છે તેનો પણ મુખ્યમંત્રીએ ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સુગ્રથિત ઇન્ફ્રાસ્ટ્રકચર અને કનેક્ટીવીટીના પરિણામે લીડસ ઇન્ડેક્ષમાં ત્રણ વર્ષથી ગુજરાત પ્રથમ રહ્યું છે. આ ઉપરાંત પી.એમ ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યું છે. દેશના ગ્રોથ એન્જીન એવા ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગોને વિકસવાનો પૂરો અવકાશ મળી રહે તેમ છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

શિપ રિસાયક્લિંગ એકટ-2019 થી દેશમાં ગ્રીન શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના દ્વાર ખુલ્યા

મુખ્યમંત્રીએ કહ્યું કે, પહેલાં શિપ બ્રેકીંગનો જમાનો હતો હવે શીપ-રિસાયક્લિંગ અને ગ્રીન શિપ રિસાયક્લિંગનો સમય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આને સુસંગત શિપ રિસાયક્લિંગ એકટ-2019 ઘડીને દેશમાં ગ્રીન શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના દ્વાર ખોલી આપ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જેમ શિપ-બ્રેકીંગ, રિસાયક્લિંગ ક્ષેત્રે ગુજરાતના અલંગનો દબદબો છે તેવી જ રીતે ગ્રીન શિપ રિસાયક્લિંગમાં પણ અલંગ અગ્રેસર રહેશે. કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્બાનંદ સોનોવાલે કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારતે વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે આપણે સૌ દેશવાસીઓ ટીમ ઈન્ડીયા બનીને સહિયારા પ્રયાસો કરશું તો ચોકકસ ભારત સર્વશ્રેષ્ઠ બનશે.

ગુજરાતે ઘોઘા-હઝીરા વચ્ચેની રોપેક્ષ સર્વીસની સેવાઓ શરૂ કરતા પૂર્વ અને પશ્ચિમનું અંતર ઘટ્યું

તેમણે કહ્યું કે, ભારતના પશ્ચિમ કિનારે તેના વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનના આધારે, પ્રોએક્ટિવ પોલિસીઝ અને પહેલ તેમજ મજબૂત ઔદ્યોગિક અને સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ગુજરાત ભારતની દરિયાઇ સફળતાની વાર્તાના ધ્વજ ધારક તરીકે ઉભરી આવ્યું છે. મંત્રી સોનોવાલે કહ્યું હતું કે, દરિયાઇ ભારત વિઝન 2030ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતે ઘોઘા-હઝીરા વચ્ચેની રોપેક્ષ સર્વીસની સેવાઓ શરૂ કરી દીધી છે જેના પરિણામે પૂર્વ અને પશ્ચિમ બાજુના વચ્ચેનું અંતર ઘટ્યું છે. શિપિંગના ડાયરેકટર જનરલ અમિતાભકુમારે કહ્યુ હતું કે, જો શિપિંગ નહીં હોય તો અડધું વિશ્વ ફ્રીઝ થઈ જશે. ગ્લોબલ સપ્લાય ચેઇનને મેઇન્ટટેઇન કરવા માટે વિશ્વને શિપ્સની જરૂર છે. ફિક્કી ગુજરાતના ચેરપર્સન ગીતા ગોરડીયાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, ભારત એ વિશ્વના પાંચ મુખ્ય શિપ રિસાયક્લિંગ રાષ્ટ્રોમાંનું એક છે. ભારત વિશ્વની સૌથી મોટી શિપ-બ્રેકિંગ સુવિધાઓનું ઘર છે.

આ કોન્ફોરેન્સ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા

મુખ્યમંત્રીના સચિવ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન એન્ડ સીઇઓ અવંતિકા સિંઘ ઔલખે આભારવિધિ કરતાં જણાવ્યું હતું કે, ગ્રીન શિપ રીસાયક્લિંગ એન્ડ વ્હિકલ સ્ક્રેપિંગ અંગેની આ બે દિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ રાજેશકુમાર સિંહા, સંયુક્ત સચિવ વિક્રમસિંઘ, દૂતાવાસના અધિકારીઓ, શિપબ્રેકિંગ સાથે જોડાયેલાં ઉદ્યોગ સાહસિકો, ગુજરાત-કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, પર્યાવરણવિદો ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button