બનાસકાંઠા : રોડ નહીં તો વોટ નહી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર, માળવાપરા, કોટડા અને ભાખર ગામને જોડતા માર્ગના જોબ નંબર રદ કરવાને લઈને જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા લખાયેલા પત્રનો લોકોએ આજે આક્રમક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી વોટ માગવા ગામમાં આવવું નહીં. તેવા બેનર સાથે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.
પાલનપુર તાલુકાના ચંડીસર પાસે નેશનલ હાઇવે થી ગુરુકૃપા હોટલ થઈને કોટડા રોડ, જીઆઇડીસી થી રસાણા ગામને જોડતો માર્ગ તેમજ વાઘણા થી મડાણા -ચંડીસરને જોડતા માર્ગના જોબ નંબર અપાયા હતા. જે જોબ નંબર રદ કરી નાખવા માટે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલાએ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીને પત્ર લખ્યો હતો.
આ પત્ર જેવો જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેની સાથે જ આ વિસ્તારના ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. અને ગામ લોકો હાથમાં બેનર લઈને ‘રોડ નહીં તો વોટ નહીં’ના સૂત્રોપોકારીને વિરોધ કરતા રસ્તા પર ઉતર્યા હતા. ગામ લોકોએ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પછી રોડને મંજૂરી મળી છે. તો કોને પેટમાં દુઃખી રહ્યું છે. ગામની મહિલાઓને ચોમાસાના સમયમાં ખેતરમાં જવા આવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જ્યારે ભાડાના વાહન ચાલકો ખરાબ માર્ગો હોવાથી ગામમાં આવવા તૈયાર નથી. જેથી ગામ લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે. ત્યારે મહિલાઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ હાથમાં બેનર લઈને વિરોધ દર્શાવી જણાવ્યું હતું કે, રોડ બને તે પહેલા ગામમાં વોટ માગવા આવવું નહીં, નહીં તો અપમાન થશે. આમ ગ્રામજનોની ચીમકીના પગલે બનાસકાંઠા ભાજપના વર્તુળમાં પણ ચકચાર મચી ગઈ છે.
ભાજપના અગ્રણીઓ જ રોડની ભલામણ કરી હતી
ચંડીસરના આ માર્ગો બને તે માટે ભાજપના જ હોદ્દેદારોએ બે વર્ષ અગાઉ રોડ માટે સરકારમાં ભલામણ કરતા પત્રો લખ્યા હતા. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પાલનપુર તાલુકા ભાજપના તત્કાલીન પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, મોતીભાઈ પાળજા, પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ અને પાલનપુર માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ભગવાનભાઈ પટેલે પણ માર્ગની ભલામણ કરતા પત્રો લખ્યા હતા. આ પત્રોના આધારે સરકારે રસ્તાની મંજૂરીના જોબ નંબર આપ્યા હતા. ત્યાં જ ભાજપના પ્રમુખે આ રોડના જોબ કામ રદ કરી નાખવાનો પત્ર લખતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.