દોઢ લાખ આંગણવાડી બહેનો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં, આજથી ફરી શરૂ કર્યું આંદોલન
રાજ્ય સરકાર સામે સરકારી કર્મચારીઓ દ્વારા એક પછી એક આંદોલન ચાલી રહ્યા છે. જ્યાં એક તરફ માજી સૈનિકોની સાથે ગાંધીનગરમાં આજે સવારે વિવાદ થયો હતો ત્યારે બીજી તરફ રાજ્યના 29 જિલ્લામાં આંગણવાડી બહેનો અને આશા વર્કરોએ આંદોલન શરૂ કર્યું છે. જેની સાથે જ 17 સપ્ટેમ્બરથી માસ સીએલ પાડવા માટે તૈયારી કરી રહ્યા છે, જેમાં રાજ્યની દોઢ લાખ આંગણવાડી બહેનો અને આશા વર્કરો ભાગ લેશે.
આ પણ વાંચો : માજી સૈનિકોએ પડતર માંગણીઓને લઈને કર્યો વિરોધ
છેલ્લા ઘણાં સમયથી રાજ્યની દોઢ લાખ આંગણવાડી બહેનો-આશા વર્કરોએ પડતર પ્રશ્નો ન ઉકેલાતાં રસ્તા પર ઉતરવુ પડયુ હતું. જેમાં અમદાવાદમાં ગીતામંદિર ખાતે આરોગ્ય ભવન ખાતે 1500થી વધુ આંગણવાડી બહેનોએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતાં. આ ઉપરાંત વિજાપુર,કલોલ, ઉંઝા, લિંબડી, લખતર, ધોળકા, દસક્રોઇ, સાણંદમાં આંગણવાડી બહેનો, આશા વર્કરોએ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
સુરતમાં દિલ્હી ગેટ પાસે પણ દેખાવો યોજાયા હતાં. ધોરાજી,મોડાસા, વડોદરા,મોરબી ઉપરાંત વાઘાડિયામાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જોડાઇ હતી. મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાને આંગણવાડી બહેનોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ટૂંકમાં આશા વર્કર અને આંગણવાડી બહેનોની હડતાલને કારણે કામકાજ ખોરવાયુ હતું. તા.12-13મીએ પણ આંગણવાડી બહેનો હડતાલમાં જોડાઇને વિરોધ પ્રદર્શન જારી રાખશે.
આંદોલનોની હારમાળા વચ્ચે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ પણ સરકાર સામે લડત લડવા તૈયારીઓ આરંભી છે. એવી ચિમકી આપવામાં આવી છેકે, તા.10મી સપ્ટેમ્બર સુધી પ્રશ્નો હલ કરવા સરકારને અલ્ટીમેટમ અપાયુ હતું પણ હજુ સુધી સરકારે કોઇ હકારાત્મક અભિગમ દાખવ્યો નથી. આ જોતાં તા.15મી સપ્ટેમ્બરથી હડતાલ પાડવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવા સુધી ચિમકી ઉચ્ચારી છે.આમ,ગુજરાતમાં સરકારી કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઇને મેદાને ઉતર્યા છે.