જો વહેલા ઘરડા થવું હોય તો વાપરો મોડી રાત સુધી મોબાઇલ
સતત ત્રણ વર્ષ સુધી રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઈ જતી સાત વર્ષની ચીનની એક બાળામાં અર્લી પ્યુબર્ટીનાં લક્ષણો જોવા મળ્યાં હતાં એવા સમાચાર પ્રાપ્ત થયા છે. સ્માર્ટફોન અને કમ્પ્યુટરની બ્લુ લાઇટથી શરીરની અંદર હોર્મોનની ઊથલ-પાથલ વધી જાય છે એવું સાયન્સે પણ પુરવાર કર્યું છે અને તેની તમે કલ્પી ન હોય એવી આડઅસરો પણ હોય છે. તમારાં ટાબરિયાંની હાઇટ અચાનક વધી જાય, પુત્રીના શરીરમાં ફેરફારો દેખાવા લાગે અથવા પુત્રને મૂછનો દોરો ફૂટવા લાગે તો પ્યુબર્ટીનાં લક્ષણો સમજીને હરખાવાની કે નજરઅંદાજ કરવાની જરૂર નથી. કદાચ રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાની ટેવના લીધે તમારાં સંતાનોએ ટીનેજમાં સમય કરતાં વહેલો પ્રવેશ કર્યો હોય એવું બની શકે છે. બાળકોમાં અર્લી પ્યુબર્ટીનાં અનેક કારણોમાં લાઇટ્સ પણ એક કારણ છે એવો સ્ટડી સામે આવ્યો છે.
સાત વર્ષની વયે પુત્રીના અકુદરતી શારીરિક વિકાસને જોઈ આશ્ર્ચર્ય સાથે ચિંતા થઈ
એક સર્વેમાં ચીનના નિન્ગબોની માત્ર સાત વર્ષની છોકરીની હાઇટમાં અચાનક દસ સેન્ટિમીટર જેટલો વધારો જોવા મળ્યો હતો એટલું જ નહીં, તેનાં સ્તન પણ ઝડપથી વિકસી રહ્યાં હોવાનું તેની માતાના ધ્યાનમાં આવ્યું હતું. સાત વર્ષની વયે પુત્રીના અકુદરતી શારીરિક વિકાસને જોઈ તેની માતાને આશ્ર્ચર્ય થવાની સાથે ચિંતા પણ થવા લાગી. ડોક્ટરોએ કારણોની ખણખોદ કરતાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી રાત્રે લાઇટ્સ ઑન રાખીને સૂવાના લીધે આ બાળાના શરીરમાં હોર્મોનની જબરદસ્ત ઊથલપાથલ થઈ હતી. હોર્મોનની ઊથલપાથલના લીધે બાળાની ઓવરી સહેજ મોટી થઈ ગઈ હતી જે વહેલા માસિકચક્રને ઇન્ડિકેટ કરે છે.
હોર્મોનની ઊથલપાથલમાં મોડર્ન લાઇફ-સ્ટાઇલ જવાબદાર
સ્માર્ટફોન અને કમ્પ્યુટર પર બેસી આખો દિવસ કામ કરતા લોકો સમય કરતાં વહેલાં વૃદ્ધાવવસ્થા તરફ ધકેલાઈ રહ્યા છે એવાં કેટલાંક રિસર્ચ પણ સામે આવ્યાં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હોર્મોનની ઊથલપાથલમાં મોડર્ન લાઇફ-સ્ટાઇલ જવાબદાર છે. શું રાત્રે લાઇટ્સ ઓન રાખીને સૂવાથી વ્યક્તિના ગ્રોથ અને હોર્મોન પર ખરેખર અસર પડે? ઇલેક્ટ્રિક ગેજેટ્સમાંથી ફેંકાતી બ્લુ લાઇટ્સથી હોર્મોનલ ચેન્જિસ થાય? હોર્મોનની ઊથલપાથલનાં બીજાં કયાં કારણો હોઈ શકે છે? આ તમામ પ્રશ્ર્નો વિશે એન્ડોક્રાઈનોલોજિસ્ટ (હોર્મોન સ્પેશ્યલિસ્ટ) ડો. શું કહે છે એ જાણીએ.
અર્લી પ્યુબર્ટીનાં જુદાં-જુદાં લક્ષણો હોઈ શકે, બ્લુ લાઇટ્સ તમારા હોર્મોનને અસર કરે
જ્યાં સુધી કોઈ સોલિડ એવિડન્સ અને રિસર્ચ સામે ન આવે ત્યાં સુધી ઉપરોક્ત સ્ટડી વિશે કહેવું યોગ્ય નથી એવી સ્પષ્ટતા આપતાં ડો. કહે છે, ‘રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાથી છોકરીઓમાં માસિકચક્ર વહેલું શરૂ થવાની શક્યતા વધી જાય છે એવું સ્પષ્ટપણે કહી ન શકાય. અર્લી પ્યુબર્ટીનાં જુદાં-જુદાં લક્ષણો હોઈ શકે છે. આ કેસમાં લાઇટના કલર વિશે કોઈ ચોખવટ કરવામાં આવી નથી. સામાન્ય રીતે આપણે રાત્રે રૂમમાં આછી વાઇટ અથવા પીળી લાઇટ વાપરીએ છીએ. વાઇટ લાઇટની વિપરીત અસર વિશે હજી સુધી નિર્ણાયક અને પ્રમાણભૂત અહેવાલો રજૂ કરવામાં આવ્યા નથી. હા, બ્લુ લાઇટ્સ તમારા હોર્મોનને અસર કરે છે એવું સાયન્ટિફિક સ્ટડીમાં પુરવાર થયું છે.’
શરીરની ઘડિયાળ પ્રકાશના આધારે કામ કરે
માનવ મગજમાં આવેલી પિનીઅલ ગ્રંથિ પ્રકાશ સામે પ્રતિક્રિયા આપે છે એવું વિજ્ઞાને શોધી કાઢ્યું છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘આપણા શરીરની ઘડિયાળ પ્રકાશના આધારે કામ કરે છે. જે લોકો વારંવાર ટ્રાવેલ કરતા હોય તેમના શરીરની ઘડિયાળ ખોરવાઈ જવાનું કારણ લાઇટ્સ છે. વિમાનની લાંબી મુસાફરી બાદ જેટ લેગ લાગે છે એનું કારણ પણ સૂર્યનો પ્રકાશ છે. કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે સૂર્ય ઊગે એટલે ઊઠવું અને સૂર્યાસ્ત થાય એટલે સૂઈ જવું. જે લોકો રાત્રે કામ કરે છે તેમની બોડી ક્લોક વ્યવસ્થિત કામ કરતી નથી. સામાન્ય રીતે બપોર પછીની શિફ્ટમાં કામ કરતી તેમ જ બીપીઓ અને કોલ સેન્ટરમાં કામ કરતી વ્યક્તિના શરીરમાં પ્રકાશના લીધે હોર્મોનલ ફ્લક્ચ્યુએશન ઝડપી બને છે. સરળ ભાષામાં કહીએ તો લાઇટ્સને આપણી ઊંઘ સાથે સીધો સંબંધ છે. જો એ ડિસ્ટર્બ થાય તો હોર્મોનને અસર થાય.’
ઇલેક્ટ્રિક ઉપકરણમાં ગોઠવવામાં આવેલી બ્લુ લાઇટ સૌથી ડેન્જરસ
ટેલિવિઝનથી સ્માર્ટફોન સુધી દરેક ઇલેક્ટ્રિક ઉપકરણમાં ગોઠવવામાં આવેલી બ્લુ લાઇટ સૌથી ડેન્જરસ છે એમ જણાવતાં ડો. પ્રદીપ કહે છે, ‘કોઈ પણ પ્રકારની ફ્લોરોસન્ટ લાઇટના સંપર્કમાં આવવાથી મેલેટોનિનના ઉત્પાદનમાં અવરોધ ઊભો થાય છે એ વાત સાચી છે. પિનીઅલ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતું મુખ્ય હોર્મોન મેલેટોનિન છે. મેલેટોનિનના ઉત્પાદનમાં વિક્ષેપ પડે એટલે સ્લીપ સાઇકલ ચેન્જ થઈ જાય. ઊંઘમાં ખલેલ પડવાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન ગણાતાં કોર્ટિસોલ હોર્મોન અને એજિંગ ટિશ્યુનું ઉત્પાદન વધી જાય. ડાયાબિટીઝ, થાઇરોઇડ અને એજિંગ સંબંધિત અનેક રોગોમાં હોર્મોનલ ડિસ્ટર્બન્સનો રોલ અવગણવા જેવો નથી. તબીબી ભાષામાં કહું તો એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ (અંત:સ્રાવી ગ્રંથિઓની ઊથલપાથલ)નું લેવલ વધી જાય તો શરીરના તમામ અવયવો અને ટિશ્યુઝની કુદરતી પ્રક્રિયા અને કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. સાઇકોલોજિકલ રોગોનું કારણ એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ જ છે.’ અર્લી પ્યુબર્ટી સંદર્ભે વાત કરતાં ડો. કહે છે, ‘આજકાલની ફાસ્ટ લાઇફમાં એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ વધ્યાં છે. પીત્ઝા, બર્ગર અને કોલા પર મારો રાખતી યંગ ગર્લ્સની ઓવરીમાં કેટલાક ચેન્જિસ જોવા મળે છે. માસિકચક્ર શરૂ થવાની ઉંમર વહેલી થવાનું મુખ્ય કારણ ફૂડ હેબિટ છે. ખોટી ફૂડ હેબિટના લીધે બોયઝમાં પણ અર્લી પ્યુબર્ટીનાં લક્ષણો દેખાવા લાગ્યાં છે.’