અમદાવાદગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદઃ રીક્ષા ચાલકનું સવારે ડિનર માટે આમંત્રણ, સાંજે પ્રોટોકોલ તોડી CM કેજરીવાલે લીધું ભોજન

Text To Speech

અમદાવાદમાં પ્રોટોકોલ તોડી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકના ઘરે ડિનર લીધું.  ઘાટલોડિયા વિસ્તારમાં દંતાણી નગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા મુખ્યમંત્રીને કોર્ડન કરીને લઈ ગયા ત્યારે લોકોની ભીડે તેમને ધક્કે ચડાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ બેકાબૂ બનતાં થોડીવાર માટે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ કેજરીવાલ, ઈટાલીયા, ઈસુદાન અને રાજ્યગુરૂ રીક્ષાચાલક સાથે જમ્યાં હતા. અરવિંદ કેજરીવાલે તેના ઘરે જમ્યા બાદ જણાવ્યું હતું કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું હતું.

હોટલથી એસ્કોર્ટ સાથે રીક્ષામાં કેજરીવાલ નીકળ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘાટલોડિયા વિસ્તારમાં દંતાણીનગરમાં રીક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે આજે રાત્રે જમવા રવાના થયા હતા, ત્યારે તેઓ તાજ સ્કાયલાઈન હોટલથી વિક્રમ દંતાણીની રીક્ષામાં તેના ઘરે આવવા નીકળ્યા હતા. મુખ્યમંત્રી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા તેમને રીક્ષામાં ન જઈ શકે તેના માટે પોલીસે અટકાવ્યા હતા, પરંતુ લેખિતમાં સુરક્ષાને લઈ અને બાહેધરી આપી હતી. ત્યારબાદ તેઓ રીક્ષામાં ઘાટલોડિયા આવવા માટે નીકળ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી રીક્ષામાં બેઠા હતા.

રીક્ષા ચાલકે સવારે આપ્યું આમંત્રણ, કેજરીવાલે રાત્રે લીધું ભોજન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે સવારે રિક્ષાચાલકના સંવાદ દરમિયાન રિક્ષાચાલકે તેઓના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું. જે આમંત્રણનો સ્વીકાર કરી આજે રાત્રે તેઓ ઘાટલોડિયા વિસ્તારમાં કે કે નગર પાસે દંતાણીનગરમાં રહેતા રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા પહોચ્યા હતાં. એક રૂમ અને રસોડા જેવા નાના મકાનમાં રહેતા વિક્રમ દંતાણીના ઘરે અરવિંદ કેજરીવાલ જમવા પહોંચવાના હોવાને પગલે તૈયારીઓ કરાઈ હતી.

દૂધીનું શાક, રોટલી, દાળ, ભાત બનાવ્યા

વિક્રમભાઈના પત્ની નિશાબેને દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અરવિંદ કેજરીવાલ અમારા ઘરે જમવા આવ્યા હતા. તેમના માટે અમે દૂધીનું શાક, રોટલી, દાળ, ભાત બનાવ્યા હતા. અમને આનંદ છે કે આજે અમારા ઘરે અરવિંદ કેજરીવાલ જમવા આવ્યા છે.

ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ દંતાણી રીક્ષા ચાલક છે અને આજે તેઓ જ્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે આમ આદમી પાર્ટીના રીક્ષા ચાલકો સાથેના સંવાદમાં આવ્યા હતા. ત્યારે તેઓએ પંજાબમાં જ્યારે અરવિંદ કેજરીવાલ એક રીક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા, તેનો વીડિયો જોયો હતો. જેથી તેઓ પોતાના ઘરે જમવા આવે તેવું આમંત્રણ આપતા અરવિંદ કેજરીવાલ દ્વારા તેનો સ્વીકાર કરી અને જમવા માટે પહોચ્યા હતા.

Back to top button