વરસાદના પગલે રાજકોટમાં સતત બે દિવસથી વીજ પુરવઠો ઠપ્પ થયાની અસંખ્ય ફરિયાદો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદ ગાજવીજ સાથે સાંજના સૂમારે શરુ થતાં વરસાદના પગલે દરરોજ શહેરી વિસ્તારના અમુક ભાગમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં તો કલાકો સુધી વિજળી વેરણ બની જાય છે. રાજકોટમાં તા. 9થી 11 દરમિયાન 250 કરતા પણ વધારે વીજ ફરિયાદો વીજ કચેરીને મળી હતી. ગઇકાલે સાંજે પડેલા વરસાદના પગલે એચ.ટી-1 હેઠળ ભગવતીપરા, અક્ષર, માર્કેટિંગ યાર્ડ, નહેરૂનગર ફિડર, એચ.ટી-2 હેઠળના સમર્પણ અને આરએમસી ફિડર, એચ.ટી-3 હેઠળ આવેલા સ્વાતિપાર્ક, નિજાનંદ, કોઠારિયા, સરદાર, જીવરાજપાર્ક, કસ્તુરી અને વિકાસ ફિડરમાં ફોલ્ટ આવ્યો હતો.
ગઇકાલે 134 પૈકી 80 ફરિયાદોનું નિરાકરણ મોડી રાત સુધીમાં લાવવામાં આવ્યું
અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં ગઇકાલે 134 ફરિયાદો નોંધાયેલ જેમાંથી 80 ફરિયાદોનું નિરાકરણ મોડી રાત સુધીમાં લાવવામાં આવ્યું હતુ. બાકી રહેલી ફરિયાદો અંગે કામગીરી સવારથી શરુ કરી દેવામાં આવી છે. તા. 9 સપ્ટેમ્બરના રોજ તેમજ તા. 10મીએ પણ વીજ પુરવઠો ગાયબ થઇ ગયાની અનેક ફરિયાદો ઉઠી હતી. નવા રાજકોટ વિસ્તારમાં ઘંટેશ્ર્વર, પરાપીપળિયા, નવા રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અંધારપટ્ટ છવાઇ ગયો હતો. સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન અને વરસાદના પગલે વિજળી વેરણ બની હતી.