ગુરૂ કે હેવાન ! વિદ્યાર્થિનીને બનાવી વાસનાનો શિકાર
ભરૂચમાં ગુરુ-શિષ્યાનો પવિત્ર સંબંધ લજવાતો કિસ્સો સામે આવ્યો છે. હેવાન ગુરૂએ શિષ્યાને હવસનો શિકાર બનાવી હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. ભરુચની સરસ્વતી વિદ્યાલયમાં આચાર્યએ વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યની ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. શાળાના આચાર્યએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે ક્લાસરૂમમાં જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્લાસરૂમમાં અનેકવાર આચર્યું દુષ્કર્મ
બંબાખાના વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યાલયનો આચાર્ય રાકેશ પરમારએ ધોરણ 9માં અભ્યાસ કરતી એક બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે જ્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો. સરસ્વતી વિદ્યાલયનો કહેવાતો આચાર્ય રાકેશ પરમાર તેની શાળામાં અભ્યાસ કરતી ધોરણ-9ની વિદ્યાર્થિની પર નજર બગડતો હતો અને તેની સાથે નાપાસ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચારતો હતો. જે વર્ગખંડમાં બાળકોને શિક્ષાના પાઠ ભણાવવામાં આવતા હતા એ જ વર્ગખંડમાં આ બાળકી સાથે નરાધમ આચાર્ય પોતાની વાસના સંતોષતો હતો.
વિદ્યાર્થિનીએ બહેનને જાણ કરતા પર્દાફાશ
વારંવાર થતી આવી હરકતોથી ગભરાય ગયેલ વિદ્યાર્થિનીએ સમગ્ર ઘટનાની જાણ પોતાની બહેનને કરી હતી અને ત્યારબાદ પરિવારજનોએ જાણ કરતા અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા સમજી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે આરોપી આચાર્ય વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ગણતરીના સમયમાં જ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.