મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ સામે નવું સમન્સ જાહેર, 14 સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ
ચકચારી મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ દિલ્હી પોલીસે નવેસરથી સમન્સ જાહેર કર્યું છે. જાહેર કરાયેલા સમન્સ મુજબ અભિનેત્રીને હવે 14 સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં અગાઉ જાહેર કરાયેલા સમન્સ મુજબ અભિનેત્રીને 12 સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ કેટલીક પૂર્વ-નિર્ધારિત પ્રતિબદ્ધતાઓને લીધે, અભિનેત્રીએ નિર્ધારિત તારીખે હાજર રહેવાની અસમર્થતા દર્શાવતા પોલીસ પાસેથી બીજી તારીખ માંગી હતી.
શું છે જેકલીન સામેનો સમગ્ર કેસ ?
દિલ્હી પોલીસે સુકેશ ચંદ્રશેખરને કથિત રીતે સંડોવતા 200 કરોડ રૂપિયાના ખંડણીના કેસમાં તપાસમાં જોડાવા માટે જેકલીનને સમન્સ પાઠવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની ચાર્જશીટમાં મની લોન્ડરિંગ કેસમાં જેકલીનનું નામ આપ્યું હતું. EDની ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જેકલીનને સુકેશની ફોજદારી કેસોમાં સંડોવણીની જાણ હતી. આ પછી પણ તેણે તેના ગુનાહિત રેકોર્ડને અવગણીને સુકેશ સાથે નાણાકીય વ્યવહારો કર્યા. મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ સામે આવ્યું ત્યારથી અભિનેત્રી ઘણી વખત ED સમક્ષ પૂછપરછ માટે હાજર થઈ છે. આ કેસમાં 30 ઓગસ્ટ અને 20 ઓક્ટોબર 2021ના રોજ પણ અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીએ સ્વીકાર્યું હતું કે તેણે ચંદ્રશેખર પાસેથી ઘણી મોંઘી ગિફ્ટ્સ લીધી હતી. કર્ણાટકના બેંગલુરુનો વતની સુકેશ ચંદ્રશેખર હાલમાં દિલ્હીની જેલમાં બંધ છે અને તેની સામે 10 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તમને જણાવી દઈએ કે, રોહિણી જેલમાં બંધ ચંદ્રશેખર પર 200 કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ છે.