ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

ભારતમાં વધુ એક ‘સીલીકોન વેલી’ બની શકે છે ગુજરાત, સેમીકન્ડકટર ક્ષેત્રે સૌથી મોટું રોકાણ કરશે વેદાન્તા

Text To Speech

દેશમાં સૌથી મોટી અને મહત્વની જરૂરિયાત બની રહેલા સેમીકન્ડકટરના ક્ષેત્રે મોટું રોકાણ ગુજરાતના ફાળે આવી રહ્યો હોવાનો એક અહેવાલ સામે આવી રહ્યો છે. જેના અનુસાર વેદાન્તા ગ્રુપ અને ફોક્સકોમ સાથે મળીને આશરે 1000 એકરના વિસ્તારમાં મોબાઈલ ફોન અને અન્ય ચીજો માટે ડિસ્પ્લેની અંદર જરૂરી સેમીકન્ડક્ટર ચીપ બનાવવાનું શરૂ કરી શકે છે.

શું છે વેદાન્તાની યોજના ?

હાલ દેશમાં 15 અબજ ડોલરની સેમીકન્ડકટરની જરૂરિયાત છે અને જે આગામી 2026 સુધીમાં 63 અબજ ડોલર થવાની શક્યતા રહેલી છે આ સ્થિતિમાં ગુજરાતમાં મોટું રોકાણ આવી શકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જો કે આ મુદ્દે ગુજરાત સરકારના મુખ્યમંત્રી કાર્યલય કે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા કોઈ પણ જાણકારી કે માહિતી આપવામાં આવી નથી. જો કે માહિતી અનુસાર મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાના સહિતના રાજ્યો સાથે વાટાઘાટ કર્યા પછી વેદાન્તાએ ગુજરાત ઉપર પસંદગી ઉતારી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : વિશ્વાસ ન થાય પણ TATA મીઠુંથી લઈને એરલાઈન્સ બાદ હવે i-Phone બનાવશે

કેટલા કરોડોનું થઈ શકે છે રોકાણ ?

આ ઉપરાંત એવી પણ માહિતી છે કે, વેદાન્તાના 20 અબજ ડોલરના સેમીકન્ડકટર પ્લાન્ટ માટે ગુજરાતની પસંદગી અંગે સત્તાવાર જાહેરાત મંગળવારે કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલ દ્વારા કરવામાં આવે એવી શક્યતા છે. આ 20 અબજ ડોલરના કુલ પ્રોજેક્ટમાં વેદાન્તા તરફથી લગભગ 8.4 અબજ ડોલરનું રોકાણ થશે અને બાકીના વિશ્વની અગ્રણી કંપની ફોકસકોમ દ્વારા કરવામાં આવશે એવું સામે આવી રહ્યું છે.

સીલીકોન વેલીનું સપનું

નોંધનીય છેકે, તાજેતરમાં 6 સપ્ટેમ્બરના જ વેદાન્તા જૂથના ચેરમેન અનિલ અગ્રવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ સત્તાવાર કોઈ જાહેરાત થઇ ન હતી પણ અનિલ અગ્રવાલે ટ્વીટ કરી એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથે મહત્વની બેઠક પૂર્ણ થઇ છે અને ભારતમાં બીજી સીલીકોન વેલીનું સપનું પૂરું કરવાના દિવસો આવી રહ્યા છે. આ દિશામાં હવે ગુજરાત સરકાર સાથે કારર થયા બાદ વેદાન્તા ગ્રુપ આગળ વધી શકે છે.

Back to top button