રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે દિલ્હી જવાના હતા. તે હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. હવે તેઓ પડધરી અને કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરશે. ગુજરાતના રાજકારણમાં હાલ બે ચર્ચા ચાલી રહી છે. એક, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થશે કે નહીં અને બીજી, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે. ત્યારે આજે નરેશ પટેલ ફરી એકવાર દિલ્હી જવાના છે તેવા સમાચાર વહેતાં થતા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
નરેશ પટેલ પર હાલ ભાજપ, કૉંગ્રેસ અને આપની નજર છે. ત્રણેય પક્ષ નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. એવામાં છેલ્લા એક અઠવાડિયામાં નરેશ પટેલ ત્રણવાર ભાજપના નેતાઓ સાથે દેખાતાં રાજકીય ગતિવિધિ તેજ બની છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે જામનગરમાં આયોજિત ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ અને પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ એક જ મંચ પર જોવા મળ્યા હતા. બંને નેતાનું એકસાથે જ સ્વાગત કરાયું હતું.
નરેશ પટેલ કયા પક્ષમાં જો઼ડાશે એનું સસ્પેન્સ આજે પણ યથાવત્ રાખ્યું હતું. આજે જ્યારે તેમને ભાજપમાં જોડાશે કે નહીં એ અંગે સવાલ કરાતાં તેમણે કહ્યું હતું કે કયા પક્ષમાં જોડાવવું એ અંગે હજી નિર્ણય નથી કરાયો, એટલે કે નરેશ પટેલે કૉંગ્રેસ અને આપની સાથે ભાજપમાં જોડાવવાના પણ તેમના દરવાજા ખુલ્લા રાખ્યા છે.
ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષ કન્વીનરો હાજર રહ્યાં હતાં. ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂર આપ્યો હતો, આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પર સૌકોઈની નજર છે. બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.