પાલનપુર નગરપાલિકાના પ્રમુખ પદે કિરણબેન રાવલની પસંદગી
પાલનપુર : પાલનપુર નગરપાલિકાના પ્રમુખ પદ માટે આજે બપોરે 12:00 વાગે પાલિકાના સભાખંડમાં ચૂંટણી યોજવામાં આવી હતી. પાલનપુર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ પદ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જેમાં ભાજપના ઉમેદવાર કિરણબેન દેવેન્દ્રભાઈ રાવલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
જ્યારે કોંગ્રેસમાંથી અંકિતાબેન ઠાકોરે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવારને બાર મત મળ્યા હતા. જ્યારે ભાજપના કિરણબેન રાવલને 32 મત મળ્યા હતા. આમ કિરણબેનને 20 મત વધુ મળતા તેઓને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જેમને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.
અગાઉ હેતલબેહેને રાજીનામુ આપ્યું હતું
પાલનપુર પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સત્તાની સાઠમારી ચાલી રહી છે. જેમાં શહેરની સુખ સુવિધાઓને લઈને પણ તેમના માથે માછલા ધોવાતા હતા. આ દરમ્યાન હેતલબેન રાવલે કલેકટરને અચાનક જ પોતાનું રાજીનામું ધરીને પ્રમુખ પદ છોડી દીધું હતું. ત્યારબાદ પ્રમુખ પદનો ચાર્જ ઉપપ્રમુખ હસમુખભાઈ પઢીયારને સોંપવામાં આવ્યો હતો.
આજે પ્રમુખ પદની ચુંટણીમાં કિરણબેન રાવલ ચૂંટાયા હતા. આમ એક હેતલબેન રાવલે રાજીનામું આપ્યું હતું અને સોમવારે બીજા કિરણબેન રાવલ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા. જોકે નવા આવેલા મહિલા પ્રમુખ પાસે શહેરીજનો શહેરની સુખાકારી માટે અપેક્ષા રાખી રહ્યા છે. તેમાં તેઓ કેટલા સફળ રહે છે. તે હવે જોવું રહ્યું.