NCP ના રાષ્ટ્રીય અધિવેશનમાં અજિત પવાર દેખાયા નારાજ, સ્ટેજ છોડી ચાલ્યા ગયા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. NCP માં હાલ બધુ બરાબર ચાલી રહ્યું નથી તેવું જાણવા મળી રહ્યું છે. કારણ કે આજે રવિવારે નવી દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનની બેઠકમાં ભારે હોબાળો થયો હતો. અહીં પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારની નારાજગી પાર્ટી સુપ્રીમો શરદ પવારની સામે જોવા મળી હતી. જ્યારે અજિતને મંચ પર સંબોધવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તે ઉઠીને ચાલ્યા ગયા અને પાછો ફર્યા નહીં. આ દરમિયાન અજિતના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે પાર્ટીના નેતાઓ માઈક પર કહેતા રહ્યા કે અજીત વોશરૂમ ગયા છે. ટૂંક સમયમાં પાછા સંબોધન કરશે. અજિતના આ પગલાને કારણે રાજકીય માહોલ ગરમાયો છે અને તેમની નારાજગીની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ રવિવારે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં તેનું 8મું રાષ્ટ્રીય સંમેલન યોજ્યું હતું. પાર્ટી સુપ્રીમો શરદ પવાર બાદ પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને બોલવાની તક આપવામાં આવી હતી. જે બાદ અજિત પવારને સંબોધન માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, તેઓ ગુસ્સે થઈને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા.
કાર્યક્રમમાં અજિતના સમર્થનમાં સૂત્રોચ્ચાર
અજિત પવાર જ્યારે સંમેલનના મંચ પરથી સ્ટેજ છોડતા જોવા મળ્યા ત્યારે તેમના સમર્થકોના નેતાઓએ તેમનું નામ લઈને હોબાળો શરૂ કર્યો હતો. ત્યાં સુધીમાં અજિત પવાર સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા. આ દરમિયાન એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલે આગેવાની લીધી અને સત્રની અધવચ્ચે જ સૂત્રોચ્ચાર બંધ કરી દીધા.
અજિતને સમજાવવાની જવાબદારી સુપ્રિયા સૂલેને સોંપાઈ
કાર્યક્રમમાં NCP સુપ્રીમો શરદ પવાર પણ બેઠા હતા. તે ચૂપચાપ જોતા રહ્યા હતા. તેની સામે કાર્યકરોને શાંત થવાની અપીલ કરવામાં આવી હતી. બાદમાં અજિત પવારને મનાવવાની જવાબદારી સાંસદ સુપ્રિયા સુલેને આપવામાં આવી હતી. અજીતનો પીછો કરીને તે તરત જ નીકળી ગઈ હતી. અહીં પ્રફુલ્લ પટેલ કાર્યકરોને ખાતરી આપતા રહ્યા કે અજિત પવાર હમણાં જ વોશરૂમ ગયા છે. ટૂંક સમયમાં પાછા આવશે પરંતુ, લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ અજિત પવાર પરત ન ફર્યા અને મંચ પર બેઠેલા શરદ પવારને કાર્યકર્તાઓની સામે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.