રાજકોટ જિલ્લા કલેકટર ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સથી સન્માનિત કરાયા, જાણો કેમ ?
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધવા સહાય અંતર્ગત રાજકોટ જિલ્લામાં એકસાથે ૬૬૮૦ ગંગાસ્વરૂપ બહેનોને સહાય આપવાની સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ અને ઝડપી કામગીરી કરવા બદલ રાજકોટ ડિસ્ટ્રીકટને બેસ્ટ ડિસ્ટ્રીકટ તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે, જે રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન ઘટના છે.
દિલ્હી ખાતે યોજાઈ ઈવેન્ટ્સ, ભારત સહિત ૭ દેશોના પ્રતિનિધિઓની હતી હાજરી
આજરોજ દિલ્હી ખાતે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ઈન્ટરનેશનલ રેકોર્ડ્સ ફેસ્ટિવલ, ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં નેપાળ, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ગ્રેટ બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ભારત સહિત ૭ દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં રેકોર્ડ ધારક વિજેતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. કલેકટર અરુણ મહેશ બાબુ વતી સીટી પ્રાંત અધિકારી સંદીપ વર્મા આ સમારંભમાં ઉપસ્થિત રહી તેમણે બહુમાન સ્વીકાર્યું હતું.
વિધવા મહિલાઓને આવકના સ્ત્રોત રૂપે અપાઈ છે રૂ.1200 પેન્શન
અત્રે એ ઉલ્લેખનિય છે કે, બહેનો માટે રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ યોજનઓ કાર્યરત છે. વિધવા મહિલાઓને પતિના અવસાન બાદ આવકના કોઇ સ્ત્રોત ન હોય તો સરકારે દર મહિને રૂ. ૧૨૦૦ પેન્શન રૂપે આપવામાં આવે છે. રાજકોટ શહેર અને જિલ્લાની ૮ હજારથી વધુ મહિલાઓને હાલ વિધવા પેન્શન આપવામાં આવી રહ્યુ છે.