36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં ‘યુ ટર્ન’ ઈવેન્ટ યોજાઈ,દેશી રમતો બની આકર્ષણનું કેન્દ્ર
ગુજરાત સરકાર દ્વારા 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે તેમાં દેશી અને સાદી રમતનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. 36મી નેશનલ ગેમ્સમાં સુરતના વિદ્યાર્થીઓ અન્ય રમત સાથે દેશી રમતમાં અગ્રેસર રહે તે માટે પ્રેક્ટિસ શરૂ કરી દેવામા આવી છે. આજે યુ ટર્ન માં શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓની દેશી રમતની પ્રેક્ટીસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. યુ ટર્ન માં શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ લખોટા, ખોખો અને વિવિધ દોડ પ્રેકટીસ કરતા નજરે પડ્યા હતા. 36મી નેશનલ ગેમ્સમાં સુરત શિક્ષણ સમિતિના 700થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે કવાયત થઈ રહી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામા આવી રહ્યું છે આ રમતમાં મુખ્ય રમત ઉપરાંત ગુજરાત અને અન્ય રાજ્યનો ગામડાંઓમાં રમાતી દેશી રમત નો પણ સમાવેશ કરવામા આવ્યો છે. સુરત શિક્ષણ સમિતિના બાળકો માટે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ગામઠી અને અન્ય રમતો માટે ખેલાડીઓની પસંદગી કરવામા આવી છે. ભુતકાળમાં જે વિદ્યાર્થીઓ રમત ગમતમાં આગળ હોય તેવા વિદ્યાર્થીઓ સાથે અન્ય વિદ્યાર્થીઓને પ્રેક્ટીસ કરાવી તેની પસંદગીની કામગીરી ચાલી રહી છે.
યુ ટર્નમાં આ વખતે શિક્ષણ સમિતિના બાળકો ભમરડા, લખોટા- લખોટી, મરઘી અને તેના બચ્ચા દોડ, કોછડા દોડ, જેવી દેશી રમતો રમતા હતા તે ઘણાં સુરતીઓને નવાઈ લાગી હતી. જોકે, બાળકોમાં રહેલી દેશી રમત પ્રત્યેના લગાવ ના કારણે આજે યુ ટર્ન માં તેઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
શિક્ષણ સમિતિના 700થી વધુ બાળકો દેશી – ગામઠી શાળામાં ભાગ લેશે જોકે, આ આંકડો પ્રારંભિત છે તેથી આગામી દિવસોમાં તે વધી શકે તેમ છે તેવું શિક્ષણ સમિતિ જણાવી રહી છે. આજે 36 મી નેશનલ ગેમ અંતર્ગત ન્યુટન વેસુ ખાતે મોક ડ્રીલ રાખવામાં આવી હતી. આ મોક ડ્રીલ જોઈને બાળકોને પ્રોત્સાહિત કરતા રમત ગમત મંત્રી હર્ષ સંઘવી,, કમિશનર બંછાનિધિ પાની, કલેકટરશ્રી આયુષ ઓક, શાસનાધિકારી વિમલભાઈ દેસાઈ, ધર્મેશભાઈ પટેલ. સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.
આમ તો સુરતના યુ ટર્ન માં ગીત સંગીત કે ડાન્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે પરંતુ પહેલી વાર બાળકો દ્વારા દેશી રમત કરવામા આવી હતી તે લોકો માટે આકર્ષણ અને કુતુહલ નું કેન્દ્ર બની ગઈ હતી.