નળકાંઠા વિસ્તારમાં આવેલું ઝાંપ ગામ અતિ પછાત ગણી શકાય તેવું આ ગામ છે. કોઈ વિશિષ્ટ રીતે આ ગામને જાણતું નથી, પરંતુ દિવસ ઉગતા જ હોકી લઈને ફરતી દીકરીઓને કારણે આ ગામ આસપાસના વિસ્તારમાં જાણીતું બન્યું છે. ત્યારે આ ગામની દીકરીઓ હોકી લઈને કેમ ફરે છે તેમ તમને થતુ હશે ને તો તમને જણાવી દંઈએ કે વાત હોકીની રમત સાથે સંકળાયેલી છે. ગામની દીકરીઓ અત્યારે નેશનલ ગેમ્સમાં સહભાગી થવા દિવસ રાત મહેનત કરી રહી છે. જે છોકરીઓ અગાઉ અમદાવાદ જિલ્લાવ ખાતે યોજાયેલ હોકીની રમતમાં પ્રથમ આવી ચુકી છે જે બાદ હવે ગુજરાત ખાતે યોજાવા જઇ રહેલ નેશનલ ગેમ્સમાં શીલેક્ટ થવા દિન રાત મહેનત કરી રહી છે.
સમગ્ર અમદાવાદ જિલ્લામાં હોકીની રમતમાં પ્રથમ
સાણંદ તાલુકાના નળસરોવરના ઝાંપ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક પ્રવીણભાઇ પટેલની બદલી થતા તેઓ અહી આવ્યા. ત્યારે તેમણે જોયું કે અહી ભણવા માટે દીકરીઓને શાળામાં મોકલાવામાં નહોતી આવતી. માતાપિતા ઘરકામ અને ખેતરના કામમાં દીકરીઓને સાથે લઈ જતા હતા. દીકરીઓને ભણાવવાનું કોઇ વિશેષ મહત્વ આ પરિવારો માટે નહોતું એ સમયે પ્રવીણભાઇએ ખુબ મનોમંથન કર્યુ કે એવું શું કરી શકાય કે શાળા છોડીને ગયેલી આ દીકરીઓ ફરીથી શાળામાં ભણવા આવે! શાળામાં શિક્ષક તરીકે પ્રવીણભાઇ પટેલ રમત-ગમતના શિક્ષક તરીકેની ડીગ્રી હોવાથી જોડાયા હતા એટેલે તેઓ શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે અન્ય રમતો સારી રીતે રમાડી શકતા હતા.તેમણે ઝાંપ ગામની દીકરીઓને હોકી રમાડવાનું બીડૂ ઝડપ્યું. અને એક તૂટેલી હોકીના આધારે દીકરીઓને હોકી શીખવવાનું શરૂ કર્યુ. થોડા સમય પછી તો શાળામાં ન આવતી દીકરીઓ પણ આ જોઈને શાળામાં આવવા લાગી અને હોકીની રમતને શીખવા માટે તત્પર બની ગઇ. સમય જતા હોકીની રમત માટે જરૂરી એવી એક ટીમ પણ બની ગઇ. આથી શિક્ષક પ્રવિણભાઇ પટેલની મહેનત રંગ લાવી અને ઝાંપ ગામની દીકરીઓની હોકીની ટીમ બની ગઈ. જે બાદ અનેક વીસ્તારો ખાતો યોજાયેલ ગેમમાં ભાગ લીધો અને જીત પણ હાસિલ કરી.
જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમત
સાણંદ તાલુકા ક્ષેત્રે માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનુભાઇ બારોટે હોકી સ્ટીક્સ, શૂઝ, સોક્સ, હેલમેટ, ગ્લોવ્સ, પગમાં પહેરવાના પેડસ વગેરે કીટ છોકરીઓને આપવામાં આવી. જે ગરીબ પરિવારની દીકરીઓ ક્યારેય ગામની બહાર પણ નહતી નીકળી તે દીકરીઓ ગામ – તાલુકો છોડીને જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમત રમવા જઈ રહી છે
ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ જેમાં ઝાંપની આ દીકરીઓ હોકીની રમતમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી. ત્યારબાદ રાજય કક્ષાની સ્પર્ધા વેરાવળ ખાતે યોજાઇ જેમાં આ ટીમ ક્વાટર ફાઇનલ સુધી પહોચી અને બેસ્ટ પરફોર્મ્સ આપ્યું. તાજેતરમાં શાળા કક્ષાએ રાજકોટ ખાતે યોજાયેલી મેચમાં પણ આ દીકરીઓ સેમિફાઇનલ સુધી પહોંચી હતી.
ઝાંપ ગામની દીકરીઓ હજી પણ ખૂબ ઉત્સાહ પૂર્વક હોકી રમે છે. અને હા નેશનલ ગેમ્સમાં રમવા માટે દિવસ રાત પ્રેક્ટિસ પણ કરે છે.