અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર એડ્રેસ પૂછવાના બહાને લૂંટ કરતી ગેંગ ઝડપાઈ
અમદાવાદ-ગાંધીનગરના હાઇવે પર લાંબા સમયથી ધાડ પાડતી ગેંગના કારણે રાહદારીઓ પરેશાન હતા. જેના પર આખરે અમદાવાદ શહેર પોલીસના ઝોન-7 એલસીબીની ટીમે બાતમીના આધારે ગેંગને પકડી પાડી છે. જેમાંથી ચાર આરોપીઓની ધરપકડ થઈ છે. જેમાં પોલીસને પૂછપરછ દરમિયાન 6 જેટલા ગુનાની માહિતી સામે આવી છે.
અમદાવાદ ઝોન 7 LCB ના PSI આર.પી વણઝારા સહિતના સ્ટાફે બાતમીના આધારે પ્રકાશ ઉર્ફે નેપાળી ચંદ, રવિ રાજપૂત, વિકાસ રાજપૂત અને મત્સ્યેન્દ્રસિંધ ઉર્ફે ગબ્બર મીણાની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ રાત્રીના સમયે હાઈવે પર ફરીને એકલ દોકલ વાહનચાલકોને રોકીને અલગ અલગ સરનામા પુછવાના બહાને તેમજ વાહન અથડાવી આંતરીને છરી બતાવીને રોકડ રકમ, દાગીના અને મોબાઈલ લેપટોપની લૂંટ ચલાવતા હતા. પોલીસે બાતમીના આધારે કાલુપુર વિસ્તારની એક હોટલમાંથી ચારેય આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા અમદાવાદ અને ગાંધીનગરના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
6 ગુનાનો ભેદ ઉકેલાયો
આ દરમિયાન આરોપીઓમાં એક આરોપી નેપાળનો, એક ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ અને એક અમદાવાદનો છે. જેમાં મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે નેપાળી આ ગેંગ સાથે લૂંટ અને ધાડના ગુનાને રાત્રે અંજામ આપી દિવસે અલગ અલગ હોટલોમાં રોકાતા હતા. અમદાવાદના આનંદનગર, સરદારનગર, ચાંદખેડા, નરોડા, અને ગાંધીનગરના ઈન્ફોસિટી અને અડાલજ પોલીસ સ્ટેશનના લૂંટ, સ્નેચિંગ, મારમારી, ચોરી જેવા ગુનાઓમાં સામેલ હોવાથી આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરાઈ છે. તેવામા આ ગુનામાં આરોપીઓ સાથે સામેલ અન્ય બે આરોપીઓ જેમાં કુલદિપ ઉર્ફે દિપુ તોમર અને સચિન વોન્ટેડ હોવાથી તેઓને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : AMC સ્કૂલના બાળકો આગામી વર્ષે જશે દક્ષિણ કોરિયા
આ મામલે ઝોન 7 LCB એ આરોપીઓ પાસેથી છરો, એપલનુ લેપટોલ, બે મોબાઈલ અને મોટર સાયકલ કબ્જે કર્યું છે. તેવામાં આરોપીઓએ તેઓની સામે નોંધાયેલા 6 ગુના સિવાય અન્ય કોઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પુછપરછ શરૂ કરી છે.