AMC સ્કૂલના બાળકો આગામી વર્ષે જશે દક્ષિણ કોરિયા
અમદાવાદ શહેરની વિવિધ મ્યુનિસિપલ શાળાના બાળકો આગામી વર્ષે દક્ષિણ કોરીયા જઈ આ શહેરનું ગૌરવ વધારશે.અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા આગામી વર્ષમાં એક લાખ બાળકો સ્કાઉટ પ્રવૃત્તિમાં જોડાય એ માટેના પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની અમદાવાદ શહેરના સાત ઝોનમાં 459થી વધુ શાળાઓ કાર્યરત છે.આ શાળાઓમાં શહેરનાં ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગનાં બાળકો અભ્યાસ કરી રહયા છે.અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો સ્કાઉટ પ્રવૃત્તિ સાથે જોડાય એ માટે વર્ષ-૧૯૬૦થી સ્કાઉટ પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે.આ પ્રકારની પ્રવૃત્તિ વિશ્વના 216 જેટલા દેશોમાં ચલાવવામાં આવી રહી છે.બાળકોને વર્ગખંડમાં આપવામાં આવતા શિક્ષણ ઉપરાંત તેમની અંદર રહેલા વિવિધ પ્રકારના કૌશલ્યને બહાર લાવવાના મુખ્ય હેતુથી સ્કાઉટ પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે.શિબિર જીવન ઉપરાંત પ્રકૃતિની ગોદમાં બાળકોમાં રહેલી આંતરીક શકિતઓને બહાર લાવવામાં આવે છે.ઓછામાં ઓછી જરુરીયાત અને ઓછામાં ઓછી સગવડ સાથે કેવી રીતે મનુષ્ય જીવન જીવી શકાય એ માટેની તાલિમ આપતી પ્રવૃત્તિ એટલે સ્કાઉટ પ્રવૃત્તિ.
આગામી વર્ષ-2023ના ઓગસ્ટ મહિનામાં દક્ષિણ કોરીયા ખાતે યોજાનાર ઈન્ટરનેશનલ જામબોરીમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના 18 સ્કાઉટ ગાઈડ બાળકો ઉપરાંત બે સ્કાઉટ માસ્ટર, બે સ્કાઉટ કેપ્ટન ભાગ લેનાર છે.હાલમાં પાંચ હજાર જેટલા બાળકો સ્કાઉટ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.આગામી વર્ષમાં સ્કાઉટ પ્રવૃત્તિ સાથે એક લાખ બાળકો જોડાય એ હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા પ્રયાસ શરુ કરી દેવામાં આવ્યા છે.દેશકક્ષાએ સૌ પ્રથમ સો જેટલી સી-સ્કાઉટ સેના શરુ કરવામાં આવશે.જેમાં 2400 જેટલા સ્કાઉટ ગાઈડ જોડાશે.સ્કાઉટ પ્રવૃત્તિ માટે મુખ્ય ચાર આધાર સ્તંભ રાખવામાં આવે છે.જેમાં ચારીત્ર્ય ઉપરાંત આરોગ્ય,કળા-કૌશલ્ય અને સેવાનો સમાવેશ થાય છે.