પેસિફિક (પ્રશાંત) મહાસાગરમાં અને ઈન્ડોનેશિયાની નજીક આવેલા સ્વતંત્ર દેશ પાપૂઆ ન્યૂ ગિનીમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. યૂએસ જિયોલોજિકલ સર્વે તરફથી આ જાણકારી આપવામાં આવી છે. અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે. જો કે, એજન્સીએ પાછળથી જણાવ્યું હતું કે, ખતરો ટળી ગયો.
No current tsunami threat after magnitude 7.6 earthquake strikes Papua New Guinea in the southwestern Pacific https://t.co/4rf4knxrZY
— CNN Breaking News (@cnnbrk) September 11, 2022
અમેરિકાની સીએનએન સમાચાર એજન્સીના અહેવાલમાં ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસના સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે, ભૂકંપમાં ઓછામાં ઓછા 16 માર્યા ગયા છે. એક આખું ગામ જમીનમાં દટાઈ ગયું છે. વ્યાપક રીતે નુકસાન થયું છે. સીમેન્ટ ક્રોંકીટના રોડ નાશ પામ્યા છે, પૂલ તૂટી ગયા છે. વીજળી અને દૂરસંચાર જેવી આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે. ભારે વરસાદ પણ પડી રહ્યો છે અને ભેખડો ધસી પડવાનું પણ જોખમ છે.
ભૂકંપ સ્થાનિક સમય મુજબ આજે સવારે 6.46 વાગ્યે દેશના ઈશાન ભાગમાં આવ્યો હતો. કાઈનાન્તૂ શહેરની પૂર્વ બાજુએ અને ધરતીથી 50-60 કિલોમીટર જેટલે ઊંડે ભૂકંપનો આંચકો આવ્યો હતો. તે વિસ્તારમાં લોકોની વસ્તી બહુ ઓછી છે. કાઈનાન્તૂ શહેરમાં 8,500 જેટલા લોકોની વસ્તી છે. પાપૂઆ ન્યૂ ગિની દેશ પેસિફિક મહાસાગરની આસપાસ ભૂકંપના જોખમવાળા ક્ષેત્ર, જેને ‘રિંગ ઓફ ફાયર’ કહે છે, ત્યાં આવેલો છે. ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ દુનિયામાં સૌથી વધારે આ ક્ષેત્રમાં બને છે.