અનંતનાગના પહલગામમાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસનો દાવો છે કે માર્યા ગયેલા ત્રણેય આતંકીઓને અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ હિઝબુલનો ટોચનો કમાન્ડર પણ માર્યા ગયેલાઓમાં સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે અનંતનાગના બટકુટ પહલગામ વિસ્તારના પૂર્વમાં સિર્ચન ટોપમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે એન્કાઉન્ટર સ્થળ પર હજુ એક કે બે આતંકવાદીઓ બાકી છે અને બંને તરફથી ગોળીબાર ચાલુ છે. પોલીસનું કહેવું છે કે ગાઢ જંગલને કારણે આતંકીઓની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. વૃક્ષોની પાછળ છુપાયેલા અન્ય આતંકવાદીઓ સુરક્ષા દળો પર સતત ગોળીબાર કરી રહ્યા હતા. અમારા જવાનો પણ ફાયરિંગનો જવાબ આપી રહ્યા છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે પહેલગામમાં છુપાયેલા આ આતંકીઓને અમરનાથ યાત્રા દરમિયાન હુમલાની જવાબદારી સોંપવામાં આવી હતી. સુરક્ષા દળોને આની જાણ થઈ અને પહેલગામ રોડને અડીને આવેલા વિસ્તારોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું.
બીજી તરફ ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન, આઠ કારતૂસ, બે UBGL (અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર) ગ્રેનેડ અને બે ગ્રેનેડ પણ મળી આવ્યા હતા. આ બંને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRF સાથે સંકળાયેલા છે, જેને લશ્કર-એ-તૈયબાની હિટ ટુકડી કહેવામાં આવે છે.
પોલીસે સેનાના 46 આરઆર જવાનો સાથે હિલટોપ ચેરદારી પાસે નાકા લગાવ્યા હતા. નાકા પાર્ટીએ બે યુવકોને શંકાસ્પદ હાલતમાં આવતા જોઈને તેમને રોકવા કહ્યું. બ્લોક જોઈને બંને યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ બ્લોક પર તૈનાત સૈનિકો પહેલેથી જ તૈયાર હતા. તેઓએ પીછો કરીને આ યુવકોને પકડી લીધા હતા.