બેફામ ઝડપ અને બેજવાબદારીભર્યા ડ્રાઈવિંગના પગલે વારંવાર અકસ્માતોની ઘટના પ્રકાશમાં આવે છે. ત્યારે આજે ફરી રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિણધરી વિસ્તારમા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુજરાતના 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કારમાં સવાર ત્રણ મહિલા સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ગુજરાતના છે.
તેઓ બાડમેરમાં જસોલ રાણી ભટિયાણીના દર્શન કરી ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને એક યુવકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. આ ઉપરાંત અકસ્માતમાં 8 વર્ષીય માસૂમ બાળક બચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે આ અકસ્માત બાડમેર જિલ્લાના સિણધરી અને આરીજીટી વિસ્તારની સરહદે થયો હતો. આ દરમિયાન ગુજરાતના ધાનેરા નિવાસી પાંચ લોકો જસોલ રાણી ભટિયાણીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે તેમની કાર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની જાણકારી મળતા જ આરજીટી અને સિણધરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત પછી ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ભારે જહેમતે ટ્રાફિક હળવું કર્યું હતું. અકસ્માત પછી ટ્રકચાલક પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે અકસ્માત થવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. મૃતકોના પરિવારજનોએ ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યાં છે. સિણધરી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.